કર્ણાટકઃ સરકાર રચવા બે દાવેદાર, યેદિયુરપ્પા પછી કુમાર સ્વામીએ દાવો રજૂ કર્યો

0
1518

બેંગાલુરુ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોની છબી સાફ થઈ ગઈ છે. હાલમાં કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતી બની રહી છે. અત્યાર સુધીમાં આવેલા પરિણામોમાં ભાજપ 104 બેઠકોની જીત સાથે સૌથી મોટો પક્ષ રહ્યો છે. જેથી ભાજપે કર્ણાટકમાં સરકાર રચવાનો દાવો રજૂ કરી દીધો છે. તેમજ કોંગ્રેસ અને જેડીએસે પણ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે.ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. ત્યાર પછી જેડીએસ અને કોંગ્રેસે પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે, અને સરકાર રચવાનો દાવો રજૂ કરી દીધો છે.

હવે બોલ રાજ્યપાલના હાથમાં છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્યપાલ કોને સરકાર રચવાનું આમંત્રણ પાઠવે છે. સુત્રોના કહેવા પ્રમાણે રાજ્યપાલ સૌથી પહેલા ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપ 104 બેઠકો જીતી છે, સ્પષ્ટ બહુમતી માટે 113 બેઠકો જોઈએ છે. ભાજપ બહુમતીથી દુર છે. તેમ છતાં યેદિયુરપ્પાએ કહ્યું છે કે અમે સૌથી મોટી પાર્ટી હોવાથી સરકાર બનવવાનો મોકો અમને મળવો જોઈએ. ભાજપ 100 ટકા સરકાર બનાવશે અને આગામી 48 કલાકમાં બહુમતી પુરવાર કરશે.