કર્ણાટક: નહેરમાં બસ ખાબકતા 25ના મોત, CMએ કરી 5 લાખના વળતરની જાહેરાત

બેંગાલુરુ- કર્ણાટકના મંડ્યામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં આજે પાંડવપુરા તાલુકામાં કનાગમરાડી પાસે એક બસ નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે રાહત અને બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને મૃતકોના પરિજનોને રુપિયા પાંચ લાખના વળતરની જાહેરાત કરી છે.મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મોટા ભાગના લોકો સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. બાળકો સ્કૂલ પુરી કરીને ઘર પરત ફરી રહ્યાં હતા. ત્યારે રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન કુમારસ્વામીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે અને પોતાના તમામ કાર્યક્રમ રદ્દ કરીને દુર્ઘટનાની જગ્યાની મુલાકાત લીધી હતી.બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવી દેતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યના ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વર પણ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે ડ્રાઈવર યોગ્ય રીતે ગાડી ચલાવી રહ્યો નહતો અને તેણે સંતુલન ગુમાવતાં દુર્ઘટના સર્જાઈ હતી’. ડેપ્યુટી સીએમે કહ્યું કે, ઘટનાની વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.