24 કલાકમાં જઈ શકે છે સીએમ યેદિયુરપ્પાની ખુરશી, SCએ માગ્યો સમર્થન પત્ર

બેંગાલુરુ- કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાના શપથને રોકવા માટે કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સુપ્રીમ કોર્ટેમાં મધ્યરાત્રીએ લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી દલિલો બાદ યેદિયુરપ્પાને રાહત મળી. ત્યારબાદ તેઓ આજે સવારે શપથ લઈને કર્ણાટકની સીએમ બની ગયા છે.જોકે સત્તા સંભાળ્યાના 24 કલાક બાદ તેમણે પોતાના સમર્થન આપનારા ધારાસભ્યોની યાદી કોર્ટને આપવી પડશે. મહત્વનું છે કે, ભાજપ માટે 112 ધારાસભ્યોની યાદી આપવી સરળ કામ નથી. આ પરિસ્થિતિમાં બહુમતી સાબિત કરવી એ યેદિયુરપ્પા માટે એક મોટો પડકાર છે.

આપને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને 222 બેઠકોમાંથી 104 બેઠકો મળી છે. જેમાં બહુમતિની સંખ્યા કરતાં 8 ધારાસભ્યો ઓછા છે. કોંગ્રેસને 78 અને JDSને 37 બેઠકો ઉપરાંત BSPને 1 અને અન્યને 2 બેઠકો મળી છે. આ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ તો બની ગયો પણ સ્પષ્ટ બહુમતીના આંકડાથી દુર રહ્યો. જ્યારે કોંગ્રેસ અને JDSએ પરિણામ આવ્યા બાદ ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી.

રાજ્યપાલ દ્વારા ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં સરકાર બનાવવાનું નિમંત્રણ અપાયા બાદ યેદિયુરપ્પાના શપથવિધિ પર રોક લગાવવા કોંગ્રેસ પાર્ટી બુધવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. કોર્ટમાં આ મુદ્દે આશરે સાડા ત્રણ કલાક દલિલો પણ ચાલી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કર્ણાટત ભાજપના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. અને યેદિયુરપ્પાના શપથ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો. જેથી કહી શકાય કે, થોડા સમય માટે પણ બીજેપીએ રાહતનો શ્વાસ લીધો છે.