કર્ણાટક ચૂંટણીના દિવસે પીએમ મોદી નેપાળમાં, આ રાજકીય પ્રવાસ કે રણનીતિ?

નવી દિલ્હી- આગામી 12 મેના રોજ દેશભરની નજર કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પર મંડાયેલી હશે ત્યારે, પીએમ નરેન્દ્ર મોદી આ દિવસે નેપાળ પ્રવાસે હશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી દેશ-વિદેશના દરેક મંચનો ઉપયોગ જનતા સુધી પોતાની વાત પહોંચાડવા માટે કરે છે. જેથી અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે કે, પીએમ મોદી નેપાળ પ્રવાસેથી પણ કર્ણાટકની જનતાને પોતાનો કોઈ સંદેશ પોહોંચાડી શકે છે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદીનો નેપાળ પ્રવાસ ધાર્મિકતાથી ઓતપ્રોત રહેશે. જોકે રાજકીય પંડિતો એમાં પણ કોઈ રાજકીય મતલબ શોધી રહ્યાં છે.વર્ષ 2014માં દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ દરેક મંચનો ઉપયોગ દેશની જનતા સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ હોય કે, કોઈ દેશના રાજકીય પ્રવાસ દરમિયાન સ્થાનિક ભારતીયો સાથે સંવાદ હોય. અબૂધાબીમાં મંદિરનું ઉદઘાટન હોય કે કોઈ ઈવેન્ટ. પીએમ મોદી દરેક મંચ ઉપરથી ભારતીયો સુધી પોતાનો સંદેશ પહોંચાડવાની કળા જાણે છે. જેથી આ વખતે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી તેમના નેપાળ પ્રવાસ દરમિયાન ભારત અને વિશેષ કરીને કર્ણાટકની જનતા સુધી પોતાનો સંદેશ પહોંચાડી શકે છે.

પીએમનો પ્રવાસ રાજકીય નહીં ધાર્મિક છે

નેપાળના ગૃહપ્રધાન રામ બહાદુર થાપાએ જણાવ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદીનો આ વખતનો નેપાળ પ્રવાસ રાજકીય નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક છે. પીએમ મોદી 11 મેના રોજ સાંજે નેપાળના જનકપુર પહોંચશે. જનકપુર એ રામાયણના નાયિકા અને હિન્દુઓના આરાધ્ય સીતાનું જન્મસ્થાન છે. પીએમ મોદી તેમના નેપાળ પ્રવાસની શરુઆત જનકપુરમાં પૂજાપાઠથી કરશે. 12 મેએ જ્યારે કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે પીએમ મોદી નેપાળમાં એક જનસભાને સંબોધન કરશે. આ જનસભામાં નેપાળના પીએમ કેપી ઓલી પણ હાજર રહેશે. જનકપુર બાદ પીએમ મોદી નેપાળના અન્ય ધાર્મિક સ્થાળો જેવા કે, મુક્તિનાથ મંદિર, પશુપતિનાથ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેશે.