કર્ણાટકમાં માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે BJPનું ‘Y ફેક્ટર’

બેંગલુરુ- કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ તૈયારી શરુ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી સિદ્ધારમૈયાનો ચહેરો આગળ કરીને ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર યેદુરપ્પા દ્વારા રાજ્યમાં ભગવો લહેરાવવા પ્રયાસ કરી રહી છે. અન્ય પાર્ટીઓએ પણ તેમની રીતે ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે. જોકે મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ગુજરાત અને ત્રિપુરા બાદ હવે કર્ણાટકમાં પણ ભાજપ ‘Y ફેક્ટર’નો ઉપયોગ કરી શકે છે. એટલેકે યોગી આદિત્યનાથ ભાજપ માટે રાજ્યમાં સત્તા મેળવવા માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.યોગી છે BJP માટે ટ્રમ્પકાર્ડ

ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં વર્ષ 2013ની ચૂંટણીમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન કરવા નથી ઈચ્છતી. માટે પાર્ટીએ અત્યારથી જ કાર્યકર્તાઓને કામે લાગી જવા જણાવ્યું છે. ત્રિપુરા ચૂંટણીની જેમ હવે કર્ણાટકમાં પણ ભારતીય જનતા પાર્ટી UPના સીએમ યોગી આદિત્યનાથનો ટ્રમ્પકાર્ડ તરીકે ઉપયોગ કરી શકે છે. કર્ણાટકમાં નાથ સંપ્રદાયના મતોને ધ્યાનમાં રાખીને ભાજપ આ પગલુ ભરી શકે છે. આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં કુલ 30 જિલ્લાઓ છે અને ભારતીય જનતા પાર્ટીએ યોગી આદિત્યનાથની 37 જનસભાનું આયોજન કરવાની યોજના બનાવી છે.