કર્ણાટક: પીએમ મોદીનો ‘મહાદાયી’ મંત્ર BJP માટે જીતની જડીબુટ્ટી બની શકે છે

બેંગલુરુ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવા અને મહારાષ્ટ્ર સાથે મહાદાયી જળ વિવાદનું સમાધાન લાવવા વાતચીત કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીની આ જાહેરાત કર્ણાટક વિધાનસભા ચૂંટણીના સમયમાં કરવામાં આવી છે. જે ભારતીય જનતા પાર્ટી માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે છે. કારણકે આના લીધે કર્ણાટકના ઉત્તર-પશ્ચિમ વિસ્તારની કેટલીક મહત્વની બેઠકો પ્રભાવિત છે.224 સદસ્યો ધરાવતી કર્ણાટક વિધાનસભાની 50 બેઠકો મહાદાયી જળ વિવાદ પ્રભાવિત ક્ષેત્રમાં આવેલી છે. આ બેઠકો ઉપર સત્તાધારી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મુખ્ય મુકાબલો છે. આપને જણાવી દઈએ કે, મહાદાયીને લઈને ગત બે વર્ષથી ગડગ શહેર, નદી કિનારે વસેલા ગામ અને પાડોશી જિલ્લા ધારવાડના અનેક વિસ્તારોમાં આંદોલન ચાલી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક જનસભાને સંબોધન કરવા દરમિયાન જણાવ્યું હતું કે, ‘સોનિયા ગાંધીએ આપને પાણી આપવાનો ઈનકાર કર્યો છે. તેમની પાર્ટીની સરકાર જેતે સમયે કેન્દ્રમાં પણ હતી અને મહાદાયી વિવાદ ધરાવતા ત્રણેય રાજ્યોમાં પણ હતી. જો અહીંના લોકો ભારતીય જનતા પાર્ટીને ચૂંટશે તો હું આ વિવાદનો અંત લાવવા ત્રણેય રાજ્યની સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છું’.

BJPની જીતની શક્યતાઓ પ્રબળ

પીએમ મોદીના નિવેદન બાદ પાર્ટી કાર્યકર્તાઓ અને ગડગના લોકોએ કહ્યું કે, કોંગ્રેસનો ગઢ મનાતા આ વિસ્તારમાં બીજેપીની જીતવાની શક્યતાઓ વધુ પ્રબળ થઈ ગઈ છે. ગડગના ગુરુમૂર્તિ હિરમથે કહ્યું કે, વડાપ્રધાને ખુદ આ વિવાદનું સમાધાન લાવવા વચન આપ્યું છે. જેથી જનતા પીએમ નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીનું સમર્થન કરશે. આમારી મુખ્ય માગણી પાણી પુરવઠો છે. જેથી અમે એ પાર્ટીનું સમર્થન કરીશું જે વિવાદનું સમાધાન લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરશે.