મધ્ય પ્રદેશના નવા મુખ્ય પ્રધાન બનશે કમલનાથ: સિંધિયાને સમજાવવામાં રાહુલ ગાંધી સફળ

નવી દિલ્હી – કોંગ્રેસે હાલમાં જ વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં વિજય મેળવ્યો છે તે મધ્ય પ્રદેશ રાજ્યમાં નવા મુખ્ય પ્રધાન તરીકે કમલનાથની પસંદગી કરી હોવાનો અહેવાલ છે. આ સાથે જ કોંગ્રેસ આ રાજ્યમાં કોને મુખ્ય પ્રધાન બનાવશે તે વિશેના સસ્પેન્સનો અંત આવી ગયો છે.

મુખ્ય પ્રધાન પદની રેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કમલનાથની સામે અન્ય ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા હતા, પણ એમને આ રેસમાંથી હટી જવાનું સમજાવવામાં પક્ષપ્રમુખ રાહુલ ગાંધી આજે સફળ થયા છે.

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ પાસેથી ત્રણ રાજ્ય છીનવી લીધા છે. મધ્ય પ્રદેશ ઉપરાંત છત્તીસગઢ અને રાજસ્થાન. પરંતુ આ ત્રણેય રાજ્યમાં પોતાનો મુખ્ય પ્રધાન કોને બનાવવો એનો નિર્ણય લેવામાં 48થી પણ વધારે કલાકોનો વિલંબ થયો છે.

રાજસ્થાનમાં અશોક ગેહલોતનું નામ લગભગ નક્કી જેવું છે, પરંતુ છત્તીસગઢમાં હજી પરિસ્થિતિ અધ્ધર છે.

પક્ષપ્રમુખ રાહુલ ગાંધી માટે આ મોટા પડકારો છે.

મધ્ય પ્રદેશમાં, કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે રસાકસી હતી. બંનેના સમર્થકો વચ્ચે પોસ્ટર-વોર જામી હતી.

નવી દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનની પસંદગી મામલે લંબાણપૂર્વકની ચર્ચા ચાલી હતી. યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને એમના પુત્રી પ્રિયંકા ગાંધી પણ રાહુલના નિવાસસ્થાને ગયાં હતાં.

કહેવાય છે કે, રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે આ ત્રણેય રાજ્યમાં એવા સુકાનીને બેસાડવા માગે છે જેઓ બહુ ઓછા સમયમાં વધારે સારી કામગીરી બજાવી શકે.

કમલનાથ ગાંધી પરિવારની નિકટના મનાય છે. ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી તો કમલનાથને એમનો ત્રીજો દીકરો માનતાં હતાં.

મધ્ય પ્રદેશની ચૂંટણીમાં સતત ત્રણ વાર સત્તા હાંસલ કરનાર ભાજપને હરાવવામાં અને કોંગ્રેસનું કમબેક કરાવવામાં કમલનાથે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.