જમ્મુ-કશ્મીરના ગવર્નરે અમરનાથ યાત્રાના રૂટ્સનું હવાઈ નિરીક્ષણ કર્યું

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે હેલિકોપ્ટરમાં બેસીને અમરનાથ ગુફા મંદિર તરફ દોરી જતા બાલતાલ અને પહેલગામ – એમ બંને રૂટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

ગવર્નર મલિકની સાથે એમના સલાહકાર કે. વિજય કુમાર, રાજ્યના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમ પણ હતા.

એમણે બાલતાલ, ડોમેલ, સંગમ, પંજતારણી, શેષનાગ, ચંદનવાડી, પહેલગામને આવરી લેતા સમગ્ર અમરનાથ રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને કઈ જગ્યાએ બરફ કેટલો જમા થયો છે એ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સમગ્ર રૂટ પરના સ્થળો પર હિમવર્ષાને કારણે જામેલા બરફના થરને દૂર કરવાની અને માર્ગને ખુલ્લો કરવાની કામગીરીની ગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

બરફના શિવલિંગ અથવા બર્ફાની બાબા, અમરનાથ બાબાનાં દર્શન માટેની વાર્ષિક અમરનાથ યાત્રાની આ વર્ષની યાત્રા આવતી 1 જુલાઈથી શરૂ થવાની છે. એ પહેલાં રૂટ પરના તમામ રસ્તાઓનું સમારકામ કરી દેવામાં આવે, બરફ દૂર કરી દેવામાં આવે તથા તમામ જરૂરી સુવિધાઓનું વ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવે એની તકેદારી લેવાની રાજ્યપાલ મલિકે સંબંધિત સત્તાવાળાઓને સૂચના આપી હતી.

અમરનાથ યાત્રા માટે ઉત્તર કશ્મીરના ગંડેરબાલ જિલ્લામાંથી બાલતાલ માર્ગે અથવા દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લામાં પરંપરાગત પહેલગામ માર્ગે પવિત્ર ગુફા મંદિરે જવાય છે.

આ વર્ષની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 15 ઓગસ્ટે પૂરી થશે. એ દિવસે શ્રાવણ પૂર્ણિમા તહેવાર છે.