PAK સરહદેથી પંજાબમાં ઘૂસ્યા જૈશના 7 આતંકી, IBનું એલર્ટ

નવી દિલ્હી- પંજાબના ફિરોઝપુરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 6થી 7 આંતકી ઘૂસ્યા હોવાની માહિતી આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આતંકી આ વિસ્તારમાં છે અને દિલ્હી તરફ આગળ વધવા પ્રયાસ કરી રહ્યાં છે.પંજાબ પોલીસ ઈન્ટેલિજેન્સના ઇનપુટ બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર સતર્ક રહેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત રોજ પંજાબના પઠાણકોટના માધોપુરથી ચાર શંકાસ્પદો દ્વારા લૂંટેલી કારને પણ આતંકી હુમલાના કાવતરા સાથે જોડીને જોવામાં આવી રહી છે. અને આખા પંજાબમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

સૂત્રોનું માનીએ તો આતંકીઓ પંજાબમાં RSSની શાખાઓને ટાર્ગેટ કરી શકે છે. પંજાબમાં RSSના મોટા નેતાઓ અને સવારના સમયે પંજાબના શહેરોમાં પાર્ક અને ખાલી સ્થાનો પર RSSની ગતિવિધિઓને ટાર્ગેટ કરી શકે છે. આ ઉપરાંત પંજાબમાં રાજકીય પાર્ટીઓની રેલીઓ દરમિયાન પણ આતંકી હુમલો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

માનવામાં આવી રહ્યું છે કે, આતંકીઓ હાઇવેથી દિલ્હી તરફ આગળ વધીને મોટી ઘટનાને અંજામ આપી શકે છે અને જો દિલ્હી નહીં પહોંચ્યા તો પંજાબમાં મોટો આતંકી હુમલો થઇ શકે છે. જ્યારે પંજાબ પોલીસે જાહેર કરેલા એલર્ટની જાણકારી બાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે.