ભારતમાં પુલવામા-ટાઈપના વધુ હુમલાઓ કરવાની તૈયારીમાં છે જૈશ-એ-મોહમ્મદ સંગઠન

0
1101

નવી દિલ્હી – જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના 40 જવાનોનાં જાન લેનાર આત્મઘાતી આતંકવાદી હુમલાને આજે એક અઠવાડિયું થયું છે. હવે દેશની ગુપ્તચર એજન્સીઓએ દેશના સુરક્ષા દળોને ચેતવણી આપી છે કે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પુલવામા જેવા વધારે આત્મઘાતી હુમલાઓ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં એવી ચોક્કસ માહિતી આપવામાં આવી છે કે જૈશ સંગઠનના ત્રાસવાદીઓ પુલવામામાં ગયા અઠવાડિયે કર્યો હતો તેવો IED બ્લાસ્ટ કરે એવી સંભાવના છે.

ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા દળોને એલર્ટ કર્યા છે કે જૈશનાં ત્રાસવાદીઓ આવનારા દિવસોમાં સૈનિકોનાં કાફલાનાં ચોકીબલ અને તાંગધાર રૂટ પર હુમલો કરે એવી સંભાવના છે.

ગુપ્તચરોએ આંતરેલી અમુક વાતચીતો પરથી એવું જાણવા મળ્યું છે કે સૂચિત હુમલામાં લીલા રંગની સ્કોર્પિઓ કારનો ઉપયોગ કરવામાં આવે એવી સંભાવના છે.

એટલું જ નહીં, હુમલો કરવા માટે સરહદ પારથી ભારતમાં ચોરીછૂપીથી આરડીએક્સ, બંદૂકો અને હાથબોમ્બ લાવવામાં આવી રહ્યા છે. એ માટે ત્રાસવાદીઓએ કેટલીક મહિલાઓ અને બાળકોની મદદ લીધી છે.