કશ્મીરમાં આતંકવાદીઓએ BSF જવાનના ઘરમાં ઘૂસી એમને ઠાર માર્યા, ગોળીબારમાં એમના 3 પરિવારજન ઘાયલ

0
1878

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરના બાંદીપોરા જિલ્લાના પારે મોહલ્લામાં ત્રાસવાદીઓએ સીમા સુરક્ષા દળ (બીએસેફ)ના એક જવાનના ઘરમાં ઘૂસી એમને ઠાર માર્યા છે. આ ઘટના બુધવારે રાતે બની હતી.

શહીદ જવાનનું નામ મોહમ્મદ રમઝાન પારે (23) છે. એમને રાજસ્થાનમાં પોસ્ટિંગ અપાયું હતું, પણ તેઓ 20 દિવસ માટે રજા પર હોવાથી બાંદીપોરા સ્થિત એમના ઘેર આવ્યા હતા.

આતંકવાદીઓએ ઘરમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જવાનનું ઘટનાસ્થળે જ મરણ નિપજ્યું હતું. જ્યારે પારેના પિતા, બે ભાઈ અને એક કાકી ઘાયલ થયાં છે. કાકીની હાલત ગંભીર છે, પણ અન્ય ત્રણ જણની હાલત સ્થિર છે.

ત્રાસવાદીઓ હુમલો કર્યા બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

પારે અમુક વર્ષ પહેલાં જ બીએસએફમાં જોડાયા હતા.