જમ્મુ-કશ્મીર: અનંતનાગમાં સેનાનું ‘ઓપરેશન ઓલઆઉટ’, ત્રણ આતંકી ઠાર

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં રમઝાન દરમિયાન લાગૂ કરવામાં આવેલો યુદ્ધવિરામ પુરો થયાની સાથે જ ભારતીય સેનાએ ઓપરેશન ઓલઆઉટ ફરી શરુ કર્યું છે. શુક્રવારે સવારે દક્ષિણ કશ્મીરમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સેનાએ ત્રણ આતંકીને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. સેનાને ગત મોડી રાત્રે આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવા અંગે માહિતી મળી હતી, ત્યારબાદ તેમને ઘેરવામાં આવ્યા હતા.અનંતનાગ જિલ્લાના શ્રીગુફવારા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાં પુલવામાનો માજિદ, શ્રીનગરનો દાઉદ અને બિજબેહરાના આદિલનો પણ સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે, ગત 17 જૂને સીઝફાયરના અંતની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદથી રાજ્યમાં સેનાએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટની ફરીવાર શરુઆત કરી હતી.

સીઝફાયર સમાપ્ત થયા બાદ કશ્મીર ઘાટીમાં સેનાનું આ બીજું મોટું આપરેશન છે. આ પહેલા ગત ગુરુવારે સેનાએ પુલવામાના ત્રાલ વિસ્તારમાં ત્રણ આતંકીને ઠાર કર્યા હતા.