જમ્મુ-કશ્મીરમાં ઈદ પછી ચૂંટણીના અણસાર, 8 તબક્કામાં મતદાન…

નવી દિલ્હી- જમ્મુ-કશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર રમજાન મહિના બાદ અને અમરનાથ યાત્રા શરુ થયાં પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. રમજાન 4 જૂને પૂર્ણ થશે અને અમરનાથ યાત્રા 1 જૂલાઈથી શરુ થશે. આ જોતાં માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી 5 જૂનથી 30 જૂન વચ્ચે યોજાય તેવી શક્યતા છે. 8 તબક્કામાં મતદાન યોજાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્ય પ્રશાસન અને ગૃહમંત્રાલયને જણાવી દીધું છે. લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 70 હજારથી વધુ અર્ધસૈનિક દળના જવાનો તહેનાત રહેશે. આ ઉપરાંત રાજ્ય પોલીસ પણ તહેનાત રહેશે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયાંને આગામી 3 જૂલાઈના રોજ 6 મહિના પૂર્ણ થશે.

જમ્મુ-કશ્મીર રાજ્યની 6 લોકસભા બેઠકો પર 5 તબક્કામાં મતદાન યોજાશે. મહત્વની વાત એ છે કે, કશ્મીરની અનંતનાગ બેઠક પર 3 ચરણોમાં મતદાન થશે. આ દરમિયાન આયોગે કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે. બંન્ને ચૂંટણીઓ એક સાથે ન યોજવા પાછળ ઘાટીના અશાંત માહોલને જવાબદાર ગણાવ્યો હતો.

બંને ચૂંટણીઓ સાથે નહીં યોજવાના ચૂંટણી પંચના નિર્ણયનો વિપક્ષ પાર્ટીઓના નેતાઓએ વિરોધ કર્યો હતો. જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદીના ટ્વીર પર કહ્યું કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવીને તમે અહીંના લોકોને લોકતાંત્રિક અધિકાર આપો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બીજેપી અને પીડીપીએ મળીને સરકાર બનાવી હતી. ગત વર્ષે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન તૂટી જતાં મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયું હતું. આ દરમિયાન પીડીપીએ નેશનલ કોન્ફરેન્સ સાથે મળીને સરકાર રચવાની અસફળ કોશિશ કરી હતી. રાજ્યપાલ શાસનના 6 મહિનાના કાર્યકાળ બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે.