LoC પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ, એક મહિલા અને બાળકનું મોત

શ્રીનગર- જમ્મુ-કશ્મીરમાં સરહદ પાસે આવેલા ગામોમાં ગત ઘણા દિવસથી પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. BSFના જવાનો પાકિસ્તાનને વળતો જવાબ આપી રહ્યાં છે. જોકે પાકિસ્તાન તેની હરકતો ઓછી નથી કરી રહ્યું. સોમવારે ફાયરિંગ કરાયા બાદ આજે પણ પાકિસ્તાને મોર્ટાર દ્વારા હુમલો કર્યો હતો. જેમાં ભારતના ખેતર અને ગામડાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. LoC પાસે આવેલા આર.એસ પુરા સેક્ટરના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરીને પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.સોમવારે અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઘાયલ થયેલી મહિલાનું આજે મોત થયું છે. આ ઉપરાંત LoC પાસે આવેલા અખનૂર સેક્ટરના સરી પલ્લી ગામમાં પાકિસ્તાની ફાયરિંગમાં સાત મહિનાના એક માસુમ બાળકનું ગોળી વાગવાથી મોત થયું છે. ઉપરાંત 6 અન્ય સ્થાનિક રહેવાસીઓ પણ ઘાયલ થયા છે.

પાકિસ્તાની રેન્જર્સએ જમ્મુના હીરાનગર, પનસાર, મનયારી અને ચાન લાલ દીન વિસ્તારમાં જોરદાર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ BSF તરફથી પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો હતો. જમ્મુના અરનિયા અને આર.એસ. પુરા સેક્ટરના 5 કિલોમીટર વિસ્તારમાં તમામ સ્કુલ બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.

સોમવારે પણ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં મોર્ટાર શેલનો મારો ચલાવવામાં આવ્યો હતો. જે અરનિયા સેક્ટરના પોલીસ સ્ટેશન પર પડ્યા હતા. જેમાં પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતાં. અને અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. ફાયરિંગને જોતાં BSF અને પોલીસે સ્થાનિકોને ઘરની બહાર નહીં નિકળવા જણાવ્યું છે.