પાકિસ્તાન સાથે ચર્ચા માટે ભારત તૈયાર, વાત અને આતંકવાદ એકસાથે નહીં: રાજનાથ

નવી દિલ્હી- પાકિસ્તાન દ્વારા સરહદ પારથી ભારતમાં કરવામાં આવતી ઘૂસણખોરી પર જો રોક લગાવવામાં આવે તો મોદી સરકાર પાકિસ્તાન સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ વાત કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે જણાવી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર પાકિસ્તાન સહિત કોઈપણ સાથે વાત કરવા માટે તૈયાર છે, પરંતુ આતંકવાદ અને વાટાઘાટો એકસાથે શક્ય નહીં બને’.ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું, ‘અમે કોઈની પણ સાથે વાત કરવા તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલ કરી અને મિત્રતાનો હાથ લંબાવી પાકિસ્તાન ગયા અને જવાબદાર લોકો સહિત તેમના પરિવાર સાથે પણ મુલાકાત કરી જેથી પરસ્પર સંબંધો સુધારી શકાય અને મુદ્દાઓનો ઉકેલ લાવી શકાય. પરંતુ પાકિસ્તાન મુદ્દાઓને ઉકેલવા વાતાવરણ તૈયાર કરતું નથી.

એક દિવસના પ્રવાસે શ્રીનગર પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ સાથે જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ મુલાકાત કરી હતી અને ભારત-પાકિસ્તાન વચ્ચે કડવાશ અને સંઘર્ષ ઘટાડવા અને પાડોશી દેશ સાથે ચર્ચા કરવા અપીલ કરી હતી.