કશ્મીર: દેખાવકારો પાસેથી વસુલાશે સંપત્તિને થયેલું નુકસાન

0
3131

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં અવારનવાર થતી હિંસા અને પથ્થરમારાની ઘટનાઓમાં સાર્વજનિક સંપત્તિને મોટું નુકસાન થતું હોય છે. જેથી સરકારે હવે આ પ્રકારના દેખાવકારો સામે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. જે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડે છે.

જમ્મુ-કશ્મીરના રાજ્યપાલ એન. એન. વોહરાએ રાજ્ય સરકારના એ અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત હડતાલ અથવા પ્રદર્શન દરમિયાન સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ દેખાવકારો પાસેથી કરવામાં આવશે. અધ્યાદેશ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા દેખાવકારોને આર્થિક દંડની સાથે તેને 5 વર્ષ જેલની સજા પણ કરવામાં આવી શકે છે.

જમ્મુ એન્ડ કશ્મીર પબ્લિક પોપર્ટી ( પ્રિવેન્શન ઓફ ડેમેજ ) ઓર્ડિનન્સ 2017 મુજબ સાર્વજનિક સંપત્તિના નુકસાન સાથે જોડાયેલા વર્તમાન કાયદામાં બદલાવ કરવામાં આવ્યો છે અને નવો અધ્યાદેશ તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ કાયદો વ્યક્તિઓ/સંગઠનો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવેલી એ ગતિવિધિઓ પર રોક લગાવશે અથવા તેમને હતોત્સાહિત કરશે જેનાથી સર્વજનિક અથવા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે.

આ પહેલાના કાયદામાં ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ સજાની કોઈ જ જોગવાઈ રાખવામાં આવી ન હતી. જોકે નવા અધ્યાદેશમાં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. પહેલાનો કાયદો માત્ર સરકારી વસાહતો, સંસ્થા અને તેમની સંપત્તિ પર લાગુ કરવામાં આવતો હતો, જોકે નવા કાયદામાં તેમાં સંશોધન કરવામાં આવ્યું છે.