જમ્મુ-કશ્મીર: પાક. સેનાએ કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, ભારતે આપ્યો વળતો જવાબ

શ્રીનગર- પાકિસ્તાની સેનાએ જમ્મુ-કશ્મીરના પૂંછ સેક્ટરમાં આજે ફરીવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેની દ્વારા મોર્ટાર અને નાના ઓટોમેટિક હથિયારો દ્વારા ભારતીય ચોકીઓને ટાર્ગેટ કરીને નિયંત્રણ રેખા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ ઉશ્કેરણીજનક ઘટનાનો વળતો જવાબ આપ્યો હતો.

ભારતીય સેના દ્વારા કોઈ જ પ્રકારની ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમ છતાં પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓને ટાર્ગેટ કરી હતી. અને પૂંછ સેક્ટરમાં આવેલી ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. જોકે આ ફાયરિંગમાં બન્ને પક્ષ તરફથી હજીસુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાની સેનાએ ગત બુધવારે પણ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન દ્વારા LoC પાસેના પૂંછ જિલ્લાના શાહપુર સેક્ટરમાં મોટા પ્રમાણમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલા પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ગત 2 નવેમ્બરે જમ્મુ-કશ્મીરના સાંબા સેક્ટરમાં BSFની પેટ્રોલિંગ પાર્ટી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા આ ફાયરિંગમાં BSFના કોન્સ્ટેબલ તપન મોંડલ શહીદ થયા હતા.