એક દિવસમાં 50 હજાર યાત્રી જ કરી શકશે માતા વૈષ્ણોદેવીના દર્શન: NGT

0
2774

જમ્મૂ- નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે (NGT) જમ્મૂના કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર માટે દર્શનાર્થીઓની સંખ્યા નિયંત્રિત કરવા જણાવ્યું છે. આ અંગેની અરજીપર સુનાવણી કરતા NGTએ જણાવ્યું કે, માતા વૈષ્ણોદેવી મંદિરમાં હવેથી દરરોજ 50 હજારથી વધુ યાત્રીઓ દર્શન કરી શકશે નહીં.

NGTએ તેના આદેશમાં જણાવ્યું છે કે, જો શ્રાઈન બોર્ડને દૈનિક 50 હજારથી વધુ યાત્રીઓની નોંધણીની સુચના મળે તો, વધારાના યાત્રીઓને કટરા અને અર્ધકુંવારીમાં રોકાવાની વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવે. આ સિવાય NGTએ માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડેમાં કોઈપણ પ્રકારના નવા બંધકામ કરવા ઉપર પણ રોક લગાવી છે.

નવરાત્રિમાં ભક્તોની સૌથી વધુ ભીડ

સૂત્રોનું માનીએ તો, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે (NGT) પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્યથી આ પ્રકારનું પગલું ભર્યું છે. જોકે NGTના આ નિર્ણયની સૌથી વધુ અસર નવરાત્રિના પર્વ દરમિયાન જોવા મળશે.

નવરાત્રિ દરમિયાન દર વર્ષે સરેરાશ 50-60 હજાર શ્રદ્ધાળુઓ રોજ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે આવે છે. જેથી કહી શકાય કે, શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા અને તેમને ઉતારાની યોગ્ય વ્યવસ્થા કરવી એ શ્રાઈનબોર્ડ માટે મોટો પડકાર બની રહેશે.