ઈવાન્કાએ ભારતનાં લોકો, પીએમ મોદીની મુક્તકંઠે પ્રશંસા કરી

હૈદરાબાદ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી-કમ-સલાહકાર ઈવાન્કા ટ્રમ્પે આજે અહીં ત્રણ-દિવસીય ગ્લોબલ આન્ટ્રપ્રિન્યોરશિપ સમિટનું ઉદઘાટન કર્યું છે.

હૈદરાબાદ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત શિખર સંમેલનના ઉદઘાટન સત્રમાં ઈવાન્કાએ દેશભરમાંથી ઉપસ્થિત રહેલા ઉદ્યોગસાહસીઓને સંબોધન પણ કર્યું હતું. એમણે કહ્યું કે, ‘આ સિટી ઓફ પર્લ્સમાં સૌથી મોટો ખજાનો તો આપ સૌ (શ્રોતાગણ તરફ નિર્દેશ કરીને) છો. ભારતનાં લોકો તરફથી અમને સૌને પ્રેરણા મળે છે.’

ઈવાન્કાએ એમ પણ કહ્યું કે, હું ગર્વ સાથે કહેવા માગું છું કે આ શિખર સંમેલનમાં હાજર રહેલા ઉદ્યમીઓમાં ૫૦ ટકા મહિલાઓ છે. મહિલાઓ જ્યારે સશક્તિકરણ મેળવે છે ત્યારે આપણાં પરિવારો, આપણાં અર્થતંત્રો અને આપણા સમાજો પૂર્ણ સ્તરની શક્તિ પ્રાપ્ત કરે છે.

ઈવાન્કાએ વધુમાં કહ્યું કે, વીતી ગયેલા દાયકામાં મહિલાઓએ અનેક પ્રકારના નવા બિઝનેસ શરૂ કરીને ઉલ્લેખનીય પ્રગતિ હાંસલ કરી છે. અમેરિકામાં આજે એક કરોડ ૧૦ લાખથી પણ વધુ મહિલાઓ એમનો પોતાનો બિઝનેસ ચલાવે છે. એમનાં હાથ નીચે આશરે ૯૦ લાખ લોકો નોકરી કરે છે અને તે દ્વારા ૧ ટ્રિલિયન ડોલર જેટલી રેવેન્યૂ ઉત્પન્ન થાય છે.

યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ વરિષ્ઠ સલાહકાર ઈવાન્કાએ એમ પણ કહ્યું કે ભારત દેશ સમગ્ર વિશ્વમાં આપણને તમામને ખરા અર્થમાં પ્રેરણા પૂરી પાડે છે. ભારત વ્હાઈટ હાઉસનું ખરું મિત્ર છે. નીતનવી ટેલેન્ટ અને ઉદ્યમી ક્ષમતા દ્વારા ભારતનાં લોકોએ નોંધનીય પ્રગતિ હાંસલ કરી છે. જ્યારે મહિલાઓ કામ કરે છે ત્યારે એક અનોખી વિવિધલક્ષી અસર ઉત્પન્ન થાય છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે સંખ્યામાં મહિલાઓને રોજગારમાં સામેલ કરી શકે છે. એવી જ રીતે, પોતે કમાયેલી આવકને પોતાનાં પરિવારોમાં તથા સમાજોમાં પુનઃ ઈન્વેસ્ટ કરવાની પણ મહિલાઓમાં મોટી કુશળતા રહેલી છે.

વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં ઈવાન્કાએ કહ્યું કે, ભારતમાં હું વડાપ્રધાન મોદીની એ માન્યતાની પ્રશંસા કરું છું કે તેઓ એવું મક્કમપણે માને છે કે મહિલાઓનાં સશક્તિકરણ વિના માનવતાની પ્રગતિ અધૂરી છે.

ચા-વેચનારમાંથી ભારતના વડાપ્રધાન બનવા સુધીની મોદીની જીવનસફરને ઈવાન્કાએ બિરદાવી હતી. એમણે કહ્યું કે, હું મિસ્ટર નરેન્દ્ર મોદીને ધન્યવાદ દઉં છું કે ચા-વેચનારમાંથી ભારતના વડાપ્રધાન બનવા સુધીની એમની સફર આશ્ચર્યજનક છે.

ઈવાન્કાએ એમનાં પ્રતિનિધિમંડળના મુખ્ય આગેવાનો સાથે પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી હતી.

આ શિખર સંમેલનનું આયોજન ભારત સરકારની નીતિ આયોગ સંસ્થા, અમેરિકી વિદેશ મંત્રાલય તથા અન્ય અમેરિકી એજન્સીઓએ સાથે મળીને કર્યું છે.

httpss://twitter.com/DDNewsLive/status/935480519810105345