ISISના શંકાસ્પદ ત્રાસવાદીની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

લખનઉ/મુંબઈ – ઉત્તર પ્રદેશ રાજ્યની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના જવાનોએ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ISIS સંગઠનના શંકાસ્પદ ત્રાસવાદી અબુ ઝૈદની ધરપકડ કરી છે.

એટીએસ અમલદારોએ શનિવારે ઝૈદની ધરપકડ કરી હતી. ઝૈદ સાઉદી અરેબિયાથી જેવો આવી પહોંચ્યો કે તરત એટીએસ અધિકારીઓએ એને પકડી લીધો હતો.

ઝૈદ સાઉદી અરેબિયાના રિયાધમાં રહે છે. ભારતમાં યુવા લોકોને ફોસલાવીને આઈએસ સંગઠનમાં સામેલ કરવા માટે ઝૈદે એક સોશિયલ મિડિયા ગ્રુપની રચના કરી છે.

 

 

ઉ.પ્ર. પોલીસ હવે અબુ ઝૈદને પોલીસ કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવા માટે કોર્ટ પાસે પરવાનગી માગશે.

ઉલ્લેખનીય છે કે, ગયા એપ્રિલમાં, એટીએસ જવાનોએ ISIS સંગઠનના ચાર શંકાસ્પદ ત્રાસવાદીઓની ધરપકડ કરી હતી. એમના નામ છે – ઉમર ઉર્ફે નઝીમ, ગાઝી બાબા ઉર્ફે મુઝમ્મિલ, મુફ્તી ઉર્ફે ફૈઝાન અને જાકવાન ઉર્ફે એહતેશામ. આ ચાર જણની પૂછપરછમાં જ અબુ ઝૈદનું નામ જાણવા મળ્યું હતું.

આ ત્રાસવાદીઓ ઈન્ટરનેટ પર એક એપ્લિકેશન મારફત એકબીજા સાથે વાતચીત કરતા હતા. ઝૈદ આ ચારેય જણનો ગુરુ છે.