સરબજીત સિંહની સગી બહેન નથી દલબીર કૌર! કરાવાશે DNA ટેસ્ટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનની કોટ લખપત જેલમાં 2 મે 2013ના રોજ માર્યા ગયેલા સરબજીત સિંહની બહેન દલબીર કૌરનો પંજાબ સરકાર ડીએનએ ટેસ્ટ કરાવી શકે છે. દલબીર કૌરે પોતાના ભાઈની મુક્તિ માટે લાંબીં ઝુંબેશ ચલાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર પંજાબ સરકારના ગૃહ વિભાગને કેટલીક ફરિયાદો પ્રાપ્ત થઈ જેમાં સવાલ ઉઠાવવામાં આવ્યા કે સાચેજ દલબીર કૌર, સરબજીતની સગી બહેન છે.

મીડિયામાં આવેલા સમાચારો અનુસાર પ્રાંતના ગૃહ વિભાગે ડીજીપીને આ મામલે તપાસના નિર્દેશ આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 13 લોકોએ ગૃહ વિભાગને આ પ્રકારની ફરિયાદ કરી છે. આમાં લાતૂર સ્થિત અખિલ ભારતીય ભ્રષ્ટાચાર નિર્મૂલન સંઘર્ષ સમિતિના અધ્યક્ષ પ્રદીપ પાટિલ પણ સમાવિષ્ટ છે. તેમણે પોતાની ફરિયાદમાં ડીએનએ ટેસ્ટની માંગ કરી છે.

આ મામલે મીડિયા દ્વારા દલબીર કૌરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે મામલો કોર્ટમાં હોવાની વાત કરતા આના પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો.

સરબજીત સિંહ દગાથી પાકિસ્તાની સીમામાં ઘુસી ગયો હતો, જ્યાં તેને પાકિસ્તાની સેનાએ પકડી લીધો. તેને લાહોર વિસ્ફોટમાં આરોપી બનાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યો. આ એક ખોટી ઓળખનો મામલો હતો. સરબજીત આજીજી કરતો રહ્યો કે તેનું નામ મંજીત છે અને તેણે કોઈ વિસ્ફોટ નથી કર્યો, પરંતુ તેની એક વાત પણ સાંભળવામાં ન આવી.