ભારતીય આકાશમાં જલદી જોવા મળશે ‘મેક ઈન ઈન્ડિયા’નું વિમાન

નવી દિલ્હી- નજીકના ભવિષ્યમાં ભારતીય આકાશમાં ‘મેક ઈન ઈન્ડિયા’ નિર્મિત વિમાન જોવા મળશે. અને પ્રવાસીઓ ભારતમાં જ નિર્મિત વિમાનમાં હવાઈયાત્રાનો આનંદ ઉઠાવી શકશે. 19 પ્રવાસીઓની ક્ષમતાવાળા ડોર્નિયર-228 વિમાનને કોમર્શિયલ ઉડાન માટે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સશસ્ત્ર દળમાં પહેલેથી જ ડોર્નિયર-228નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા આ વિમાનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રથમ અવસર છે જ્યારે ભારતીય કંપની દ્વારા નિર્મિત પ્રવાસી વિમાનને DGCA દ્વારા કોમર્શિયલ ઉડાનની પરવાનગી આપવામાં આવી છે. એવિએશન ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા સતત વધારાને કારણે આ ઘટનાને ઘણી મોટી માનવામાં આવે છે. આ યોજનાથી પીએમ મોદીની ‘ઉડાન’ યોજનાને વધુ વેગ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ભારત દ્વારા ડોર્નિયર-228 વિમાનને એક્સપોર્ટ કરવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે. એવિએશન અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક તબક્કામાં આ વિમાનને નેપાળ અને શ્રીલંકામાં એક્સપોર્ટ કરવામાં આવી શકે છે. વિવિધ ઉપયોગને ધ્યાનમાં રાખીને ડોર્નિયર-228નું નિર્માણ કરવામાં આવ્યું છે તેમ એવિએશન અધિકારીઓએ જણાવ્યું છે. ડોર્નિયર-228નો ઉપયોગ એર ટેક્સી તરીકે પણ કરવામાં આવી શકે છે. ઉપરાંત કોસ્ટગાર્ડ પણ આ 19 સીટના પ્લેનનો ઉપયોગ કરી શકશે.