સૈનિકોની નોકરી છોડવાની સંખ્યા 2015 કરતાં 2017માં 425 ટકા વધી: ગૃહમંત્રાલય

નવી દિલ્હી- ગૃહમંત્રાલય દ્વારા રાજ્યસભામાં દેશની સેનાને લઈને ચોંકાવનારો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. કોઈપણ વિપરીત સ્થિતિમાં દેશની સરહદોની સુરક્ષા માટે હંમેશા અગ્રેસર રહેનારા ભારતીય જવાનોની નોકરી છોડવાનું પ્રમાણ સરકારના તમામ પ્રયાસો છતાં સતત વધી રહ્યું છે.રાજ્યસભામાં પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, વર્ષ 2015ની તુલનામાં 2017માં અર્ધસૈનિક દળો, અધિકારીઓ અને જવાનોના નોકરી છોડવાના પ્રમાણમાં આશરે 500 ટકા જેટલી વૃદ્ધિ નોંધાઈ છે. આ વાતમાં તત્થ કેટલું? પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રાલયે જણાવ્યું કે, વર્ષ 2017માં નોકરી છોડનારા સશસ્ત્ર પોલીસ દળ અને અસમ રાઈફલ્સના અધિકારીઓની અને જવાનોની સંખ્યા વર્ષ 2015માં 3425 હતી જેની સરખામણીએ વર્ષ 2017માં નોકરી છોડનારા જવાનોની સંખ્યા 14,587 હતી.

કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનોની આટલી મોટી સંખ્યામાં નોકરી છોડવાને કારણે સરકાર પણ ચિંતા વ્યક્ત કરી ચુકી છે. વિષમ પરિસ્થિતિઓમાં કામ કરવાને કારણે સુરક્ષાકર્મીઓમાં વધી રહેલા તણાવને ઓછો કરવા સરકાર સૈનિકોને વધુ સારી સુવિધા અને રજાઓ મળી રહે તે સંદર્ભામાં પ્રયાસ કરી રહી છે. ઉપરાંત પોતાના પરિજનો અને મિત્રો સાથે વાત થઈ શકે તે માટે સૈનિકોને વધુ સારી સંચાર સુવિધા પણ સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.

સેનાના જવાનોના તણાવના સ્તરને ઓછો કરવા ગૃહમંત્રાલય દ્વારા નિયમિત રુપે તણાવ પ્રબંધન કાર્યક્રમ અને યોગશિક્ષણ આપવાનું પણ શરુ કરવામાં આવ્યું છે. સાથે જ રમતગમત અને મનોરંજન સુવિધા વધારવા અંગે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ડ્યૂટી વિતરણ સંદર્ભમાં પણ પારદર્શિતા લાવવામાં આવી રહી છે. ઉપરાંત સરહદ પર તહેનાત સુરક્ષાકર્મીઓને માળખાગત સુવિધાની દરેક વસ્તુઓ પહોંચાડવા અંગે પણ સરકાર પ્રતિબદ્ધ હોવાનું ગૃહમંત્રાલયે જણાવ્યું છે.