ભારતીય રેલવે પોતાના કમાન્ડો યુનિટનું ગઠન કરશે, પશ્ચિમી રાજ્યોમાં સુરક્ષા માટે…

નવી દિલ્હીઃ રેલવેની સારસંભાળ માટે હવે ભારતીય રેલવે પોતાના કમાન્ડો યુનિટનું ગઠન કરવા જઈ રહી છે. આ યુનિટનું નામ કમાન્ડો ફોર રેલવે સેફ્ટી હશે. રેલવે મંત્રાલય અનુસાર આ યુનિટ મુખ્યત્વે મહારાષ્ટ્ર સહિત ભારતના પશ્ચિમી રાજ્યના રેલવે સુરક્ષા માટે કરવામાં આવશે.

રેલવેના 18 ઝોનને જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં રેલવે બોર્ડે રેલવેના શહેરી કેન્દ્રોની ગંભીર સુરક્ષાને લઈને સીઓઆરએએસના ગઠનનો વિચાર કર્યો છે. સીઓઆરએએસનું ગઠન આરપીએફ અને આરપીએસએફના જવાનને મિલાવીને થશે.

આ જવાનોની ટ્રેનિંગ ચાર સત્રમાં દેશની 9 જેટલી અલગઅલગ જગ્યાઓ પર થશે. ટ્રેનિંગ કોર્સ દરમિયાન તેમને બેઝિક અને એડવાન્સ કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવશે. આ દરમિયાન તેમને કઠિન પરિસ્થિતિઓમાં શહેરી વિસ્તારોમાં બચાવ કાર્ય, વિસ્ફોટકને નિષ્ક્રિય કરવા અને લેન્ડ માઈન્સને પહોંચી વળવાની ટ્રેનિંગ આપવામાં આવશે.

રેલવે સિસ્ટમને ઉગ્રવાદીઓ, આતંકીઓ અને અસામાજિક તત્વોને પહોંચી વળવા માટે આરપીએફને તહેનાત રહેવા માટે કહેવામાં આવ્યું છે અને તેને જ ધ્યાનમાં રાખતાં આ યોજના બનાવવામાં આવી છે. આ યુનિટનું નેતૃત્વ આરપીએફના ડાયરેક્ટર જનરલ કરશે અને આ યુનિટના જવાનોને ખાસ યૂનિફોર્મ પણ આપવામાં આવશે. જવાનો પાસે બુલેટપ્રૂફ જેકેટ અને હેલમેટ પણ હશે. આરપીએફથી સલાહ બાદ જગ્યાના હિસાબે ઓપરેટિંગ પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે.