રેલવે લાઈનને રામસેતુ સુધી લંબાવવાની કેન્દ્ર સરકારે રેલવેતંત્રને પરવાનગી આપી

નવી દિલ્હી – ધનુષ્કોડી રેલવે લાઈનને હવે છેક રામસેતુ સુધી લંબાવવાની કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મંજૂરી આપી દીધી છે. રામસેતુને ઈંગ્લિશમાં એડમ્સ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે.

હાલ 18-કિ.મી.ની આ રેલવે લાઈન રામેશ્વરમથી ધનુષ્કોડી સુધી જાય છે, પણ હવે એને છેક રામસેતુ સુધી લંબાવવામાં આવશે.

નવી રેલવે લાઈનને રૂ. 208 કરોડના ખર્ચે બાંધવામાં આવશે.

રેલવે તંત્ર આ પ્રોજેક્ટ પર વહેલી તકે – મોટે ભાગે આવતા મહિનાથી કામકાજ શરૂ કરવાનું છે.

સરકારે બ્રિજ બાંધવા માટે મંજૂરી આપી દીધી છે.

આ બ્રિજ 104 વર્ષ જૂના પામબન બ્રિજને સમાંતર બાંધવામાં આવશે. પામબન બ્રિજ તામિલનાડુમાં રામેશ્વરમને દેશની મુખ્ય ભૂમિ સાથે જોડે છે. દરિયા પર બાંધવામાં આવેલો આ ભારતનો પહેલો જ બ્રિજ છે. અહીંથી ધનુષકોડીમાં આવેલા રામસેતુ સુધી રસ્તો જાય છે. પામબન બ્રિજ 1914માં ટ્રેન વ્યવહાર માટે શરૂ કરાયો હતો. આ બ્રિજની વિશેષતા એ છે કે પૂલ પરથી ટ્રેન પસાર થઈ જાય ત્યારબાદ કોઈ જહાજ આવે ત્યારે પૂલને બંને બાજુએથી ખોલીને ઊંચો કરી દેવામાં આવે છે અને જહાજ દરિયામાંથી પસાર થઈ જાય છે.

નવો બ્રિજ બનાવીને ટ્રેનને રામસેતુ સુધી લઈ જવા પાછળ રેલવે તંત્ર અને સરકારનો ઉદ્દેશ્ય રામસેતુને મુખ્ય ભૂમિ સાથે જોડી દેવાનો છે. આ નવો બ્રિજ રૂ. 250 કરોડના ખર્ચે બાંધવામાં આવશે.

નવો બ્રિજ હાલના પામબન બ્રિજ કરતાં 3 મીટર ઊંચે બાંધવામાં આવશે. નવા પૂલનું સંચાલન સંપૂર્ણપણે ઓટોમેટિક રહેશે. પામબન બ્રિજનું આયુષ્ય પૂરું થઈ ગયું છે.