રેલવે પણ ટ્રેનોમાં વિમાન જેવા બાયો-વેક્યૂમ શૌચાલય મૂકશે

નવી દિલ્હી – ભારતમાં ઘણી ટ્રેનોમાં શૌચાલયો ગંદા હોય છે અથવા ફ્લશ કે નળ કામ કરતા ન હોવાની ઘણી ફરિયાદો થાય છે, પણ હવે આ વાત ટૂંક સમયાં જ ભારતીય રેલવેમાં ભૂતકાળની બની જશે, કારણ કે દુનિયામાં સૌથી મોટા રેલવે નેટવર્ક્સમાંનું જે એક ગણાય છે તે ભારતીય રેલવે વિમાનોમાં હોય છે એવા પ્રકારના બાયો-ટોયલેટ્સ ટૂંક સમયમાં ટ્રેનોમાં પણ બેસાડવાની છે.

શરૂઆતમાં રાજધાની અને શતાબ્દી જેવી મહત્વની ટ્રેનોમાં 100 ડબ્બાઓમાં આવા નવા ટોઈલેટ્સ બેસાડવામાં આવશે. પ્રવાસીઓને આ સુવિધા આવતા મહિનાથી મળશે.

આ બાયો-વેક્યૂમ શૌચાલયો દુર્ગંધ-રહિત હશે અને પાણીનો વપરાશ ઘણો ખરો ઘટાડી દેશે.

આ નવા શૌચાલય ચેન્નાઈ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીએ બનાવ્યા છે.

પ્રવાસીઓ ઘણી વાર પ્લાસ્ટિકની બોટલ્સ, કાગળના ડૂચા જેવી નકામી ચીજવસ્તુઓ શૌચાલયોના પાત્રમાં ફેંકતા હોય છે એને કારણે શૌચાલય બ્લોક થવાની ફરિયાદ થતી હોય છે, પણ નવા શૌચાલયોમાં એવી ફરિયાદ નહીં રહે.

પાણીનો બચાવ કરવાને એને રેલવે તંત્રે પ્રાથમિકતા આપી છે.

બાયો-ટોઈલેટમાં ફ્લશ કરવા માટે 15 લીટર પાણીની જરૂર પડે. એ પાણીમાં એટલું પ્રેશર નથી હોતું કે જેથી વાસણમાં ફેંકવામાં આવેલો બધો કચરો દૂર થઈ જાય. એને કારણે પોટમાં દુર્ગંધ થતી હોય છે અને પોટ બ્લોક થઈ જતા હોય છે. એની સરખામણીમાં બાયો-વેક્યૂમ ટોઈલેટમાં પાણીનો વપરાશ અડધો થઈ જશે. એમાં માત્ર અડધા લીટર પાણી બધા પ્રકારનો કચરો ક્લીયર કરી દેશે.

હાલ 900 ટ્રેનોમાં બાયો-ટોઈલેટ્સ છે.