બહુ ખાસ છે બિહારમાં લોકસભા ચૂંટણી અને ટ્રેન ચેઇન પુલિંગનો મામલો…

બિહારઃ રેલવે બિહાર રુટની ટ્રેનોમાં ચેઇન પુલિંગ સિસ્ટમને ખતમ કરી શકે છે. રેલવે દ્વારા આ નિર્ણય આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા દારુની તસ્કરી રોકવા માટે ઉઠાવવામાં આવશે. આ જાણકારી આ મામલા સાથે જોડાયેલા બે અધિકારીઓએ આપી. ટ્રેનોમાં ચેઇન પુલિંગ સિસ્ટમ ઈમરજન્સીની સ્થિતિમાં ટ્રેનને રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે ઘણીવાર નિર્ધારિત સ્ટેશન ન હોવા છતા પણ ચેઇન પુલિંગ કરીને ટ્રેનને રોકી દેવામાં આવે છે.

આરપીએફના ડીજી અરુણ કુમારે કહ્યું કે આરપીએફ દ્વારા નોટિસ કરવામાં આવ્યું છે કે બિહારમાં તસ્કર ચેન પુલિંગથી ટ્રેનને રોકીને પોતાની મનપસંદ જગ્યા પર દારુ લઈને ઉતરી જાય છે. ચૂંટણી સમયે ભારતના અલગ અલગ ભાગોમાં દારુનો ઉપયોગ મતદારોને રીઝવવા માટે કરવામાં આવે છે.

કુમારે કહ્યું કે બિહાર એક દારુ મુક્ત રાજ્ય છે. ચેન પુલિંગ સિસ્ટમ બંધ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હવે પ્રતિબંધ લાગુ થવાના કારણે અમે એકવાર આ ડિવાઈઝને ખતમ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. કુમારે કહ્યું કે ઈમરજન્સી માટે આરપીએફના ગાર્ડ ટ્રેનમાં ઉપસ્થિત રહેશે.

યાત્રીકો આ લોકો સાથે સંપર્ક કરી શકે છે. આરપીએફના અધિકારી અનુસાર ગત સપ્તાહે ચેન પુલિંગ દ્વારા દારુની તસ્કરીના 31 જેટલા મામલાઓ સામે આવ્યા છે. આ પૈકી મોટાભાગના મામલાઓ નાગપુર અને બિહારના કેટલાક ભાગોમાંથી સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં (80 સીટ), મહારાષ્ટ્ર (48 સીટ) અને પશ્ચિમ બંગાળમાં 42 સીટો બાદ બિહારમાં સૌથી વધારે લોકસભાની સીટ 40 જેટલી છે.

બિહારને વર્ષ 2016માં દારુ મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં 11 એપ્રિલથી સાત ચરણોમાં મતદાન થશે. ચૂંટણીના દિવસે અથવા તો તેના 48 કલાક પહેલા દારુ વહેંચવો એ ગુનો છે. તો બિહારમાં દારુબંધીનું ઉલ્લંઘન કરવા પર પાંચ વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે.