એડનના અખાતમાં ભારતીય જહાજ પરનો હુમલો નિષ્ફળ

નવી દિલ્હી – ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ INS ત્રિશૂલે આજે એડનના અખાતમાં એક વ્યાપારી ભારતીય જહાજ પર સમુદ્રી ચાંચિયાઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

INS ત્રિશૂલે એડનના અખાતમાં આજે બપોરના સમયે સમયસર પહોંચી જઈને ભારતીય ધ્વજ ફરકાવતા એક બલ્ક જહાજ પર ચાંચિયાઓના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

અખાતમાં ફસાઈ ગયેલા જહાજનું નામ ‘એમ.વી. જગ અમર’ છે. તે ૮૫,૦૦૦ ટન વજનનું છે.

આજે બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યાના સુમારે વ્યાપારી જહાજ પર ૧૨ સમુદ્રી ચાંચિયાઓ ચઢી આવ્યા હતા.

બાતમી મળતાં ભારતીય નૌકાદળની વિશિષ્ટ ટૂકડી MARCOSના કમાન્ડો યુદ્ધજહાજ INS ત્રિશૂલ સાથે ત્યાં પહોંચી ગયા હતા. કમાન્ડોએ સશસ્ત્ર ચાંચિયાઓને પકડી લીધા હતા અને એમની પાસેથી એકે-૪૭ રાઈફલ તથા એક સ્પીડ બોટ જપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે INS ત્રિશૂલ યુદ્ધજહાજ તે સમુદ્રવિસ્તારમાં ચાંચિયાઓને દૂર રાખવા માટે ચોકીપહેરો ભરે છે.