ભારતીય મિસાઈલ ટેકનોલોજીમાં અનેક દેશોને રુચિ: રક્ષાપ્રધાન

નવી દિલ્હી- રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, ભારતની મિસાઈલ ટેકનોલોજીમાં અનેક દેશ રુચિ દર્શાવી રહ્યાં છે. અને ભારત સરકાર મિત્ર દેશોને મિસાઈલ વેંચવા ઈચ્છુક છે. રક્ષાપ્રધાને વધુમાં જણાવ્યું કે, અન્ય દેશો દ્વારા ભારતની મિસાઈલ ટેકનોલોજીમાં વધતી રુચિ એ ભારત માટે ગૌરવની વાત છે.ભારતીય ઉદ્યોગ પરિસંઘના (CII) એક કાર્યક્રમને સંબોધન કરતા રક્ષાપ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું કે, ઘણીવાર કોઈ રક્ષાસોદામાં કિંમતને લઈને કોઈ નિર્ણય પર પહોંચવું ઘણું દુવિધાપુર્ણ હોય છે. આવા સમયે સ્વદેશી ટેકનોલોજી ઘણી મદદરુપ સાબિત થાય છે. અને ભારત માટે એ ગૌરવની વાત છે કે, વિશ્વના અન્ય દેશો ભારતની મિસાઈલ ટેકનોલોજીમાં રુચિ દર્શાવી રહ્યાં છે.

ભારતના પાડોશી દેશ વિયેતનામનું ઉદાહરણ આપતાં રક્ષાપ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું કે, ‘વિયેતનામ ભારત પાસેથી સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ ખરીદવા ઈચ્છુક છે’. નિર્મલા સિતારમણે કહ્યું કે, તેઓ વિદેશોમાં સ્થિત ભારતીય મિશન સાથે જોડાયેલા અધિકારીઓને સંબોધન કરશે અને ભારતીય ઉત્પાદન નિષ્ણાંતોને તેમની ક્ષમતા વધારવા પ્રોત્સાહિત કરવામાં આવશે.