ભારતીય સેનાનો એક વધુ સર્જિકલ સ્ટ્રાઈક; આ વખતે મ્યાનમાર સરહદે નાગ ઉગ્રવાદીઓનો ખાત્મો કર્યો

0
1779

નવી દિલ્હી – ભારતીય લશ્કરે આજે ભારત-મ્યાનમાર સરહદ નજીક એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્જિકલ સ્ટ્રાઈક નાગ બળવાખોરોના ગ્રુપ NSCN-K વિરુદ્ધનો હતો.

આ ઓપરેશનમાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-ખાપલાંગ (NSCN-K) જૂથના બળવાખોરોના પક્ષે મોટી ખુવારી થઈ હોવાનું મનાય છે.

ભારતીય લશ્કરના પક્ષે કોઈ જાનહાનિ થઈ નથી, એવું આર્મીએ જણાવ્યું છે.

ભારતીય લશ્કરે પહેલો સર્જિકલ સ્ટ્રાઈક પાકિસ્તાને પચાવી પાડેલા કશ્મીરમાં કર્યો હતો.

આ વખતના હુમલામાં ભારતીય લશ્કરે નાગ બળવાખોરોના અડ્ડાઓને ટાર્ગેટ બનાવ્યા હતા.

ભારતીય આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેના સૈનિકો આજે વહેલી સવારે મ્યાનમાર સરહદ પર નાગ બળવાખોરોના અડ્ડાઓ પર ત્રાટક્યા હતા. ભારત-મ્યાનમાર સરહદ પરના બળવાખોરોએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો જેનો ભારતીય જવાનોએ વળતો જવાબ આપ્યો હતો.

ભારતનો આ સર્જિકલ સ્ટ્રાઈક આજે વહેલી સવારે લગભગ 4.45 વાગ્યે કરવામાં આવ્યો હતો અને તે બે કલાક સુધી ચાલ્યો હતો. ભારતીય સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી નહોતી.

નાગ બળવાખોરોના NSCN-K જૂથે 2001માં ભારત સરકાર સાથે તેણે કરેલા યુદ્ધવિરામ કરારનો 2015ની 27 માર્ચે ભંગ કર્યો હતો. ત્યારથી બળવાખોરો નાગાલેન્ડ અને મણિપુરમાં સરહદ પર પહેરો ભરતા ભારતીય સૈનિકો પર હુમલા કરવાનું શરૂ કર્યું હતું.

2015ના જૂનમાં બળવાખોરોના એક હુમલામાં 18 ભારતીય સૈનિકોનાં મરણ નિપજ્યા હતા.