સેનાની પાકિસ્તાનને ચેતવણી: નહીં આતંકી બચે, નહીં તેમના મદદગાર

શ્રીનગર- વિતેલા કેટલાક દિવસો દરમિયાન આતંકીઓ ભારતીય સેનાના કેમ્પને ટાર્ગેટ કરી રહ્યાં છે. જેને લઈને સેના તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, ‘ઓપરેશન ઓલઆઉટ’થી ગભરાયેલા આતંકીઓ આ પ્રકારની હરકતો કરી રહ્યાં છે.ભારતીય સેનાની નોર્ધન કમાંડના લેફ્ટનેન્ટ જનરલ દેવરાજ અનબૂએ પત્રકાર પરિષદમાં પાકિસ્તાન તરફ સંકેત કરતા જણાવ્યું કે, સરહદ પર દુશ્મન નિષ્ફળ સાબિત થયો એટલે હવે તે ભારતીય સેનાના કેમ્પને ટાર્ગેટ કરે છે.

આર્મી કેમ્પની સુરક્ષા માટે રુપિયા 364 કરોડનો ખર્ચ

લેફ્ટનેન્ટ જનરલ દેવરાજે  જણાવ્યું કે, ઉરી હુમલા બાદ સેનાના કેમ્પની સુરક્ષા માટે 364 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા છે. સીમા પરથી થતી ઘુસણખોરી અટકાવવા સેનાએ વધુ સક્રિય થવું પડશે. જે દુશ્મન ભારતીય સરહદમાં હશે તેનો ભારતીય સેના સફાયો કરશે. આતંકીઓની મદદ કરનારાઓને પણ છોડવામાં નહીં આવે. મહત્વનું છે કે, ગત એક વર્ષ દરમિયાન ભારતીય સેના આતંકીઓના આકાઓનો સફાયો કરવામાં વધારે ધ્યાન આપી રહી છે.

લેફ્ટનેન્ટ જનરલે કહ્યું કે, બુરહાન વાણીના એન્કાઉન્ટર બાદ કશ્મીરના અનેક યુવાનોએ આતંકનો માર્ગ અપનાવ્યો હતો. જેમાં સોશિયલ મીડિયાનું પણ મોટું યોગદાન રહ્યું છે. લેફ્ટનેન્ટ જનરલ દેવરાજે જણાવ્યું કે, આતંકના માર્ગ પર ચાલી રહેલા યુવાઓના માતા-પિતાએ પણ તેમના સંતાનોને આત્મસમર્પણ કરી સમાજની મુખ્યધારામાં પરત ફરે તે માટે સમજાવવા આગ્રહ કર્યો છે.

સરહદ પાર 225 જેટલા આતંકીઓ ભારતમાં ઘુસવાના ઈરાદા સાથે લોન્ચિંગ પેડ બનાવીને બેઠા હોવાનું લેફ્ટનેન્ટ જનરલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, બુરહાન વાણીના ઠાર મરાયા બાદ ઘાટીમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને પાકિસ્તાન વધુ અશાંત કરવા પ્રયાસ કરે છે.