ભારત સરકાર દ્વારા સત્તાવાર પુષ્ટિ, ભારતીય વાયુસેનાએ પાક.માં કરી એર સ્ટ્રાઈક

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ આજે રાત્રે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાન ઓક્યૂપાઈડ કાશ્મીર એટલે કે પીઓકે અને ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં જઈને એટલે કે પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઈકને કરી છે અને સૂત્રો અનુસાર 300 આતંકીઓ અને અનેક આતંકી ઠેકાણાંઓને નષ્ટ કરવામાં આવ્યા છે. જો કે ભારતીય વાયુસેનાએ પોતાની એર સ્ટ્રાઈકમાં કોઈ સામાન્ય જનતાનો જીવ ન જાય તેની ખાસ તકેદારી રાખી છે. ભારત દ્વારા અધિકારીક રીતે વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકની પુષ્ટિ કરવામાં આવી છે.

ભારતના વિદેશ સચીવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો જેમાં આપણા 40 જવાનો શહિદ થયા હતા. આ પહેલા પણ પઠાણકોટમાં પણ જૈશ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન હંમેશા આ સંગઠનોની પોતાના દેશમાં ઉપસ્થિતી મામલે ઈનકાર કરતું આવ્યું છે. પાકિસ્તાનને ઘણીવાર સબૂત આપવામાં આવ્યા પરંતુ તેણે આતંકી સંગઠન વિરુદ્ધ અત્યારસુધી કોઈ નથી કરી. પાકિસ્તાનનું વલણ જોતા અમે પગલા ભરવા માટે રણનીતિ તૈયાર કરી.

વિદેશ સચિવે જણાવ્યું કે આજે સવારે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી છે જેમાં જૈશના કમાન્ડર સહિત ઘણા આતંકીઓને ઢેર કરવામાં આવ્યા છે. આ એક અસૈન્ય કાર્યવાહી હતી જેમાં આતંકી સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય વાયુસેના દ્વારા જે ઓપરેશન કરવામાં આવ્યું તે માત્ર 21 મીનિટનું હતું. આ 21 મીનિટમાં ભારતના 12 જેટલા ફાઈટર પ્લેને પાકિસ્તાનના અલગ-અલગ ભાગમાં હુમલો કર્યો. આ હુમલામાં 300 થી વધારે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય વાયુસેનાએ બાલાકોટ અને મુઝફ્ફરાબાદ સેક્ટરમાં આ હુમલો કર્યો. જાણકારી અનુસાર ભારતીય વાયુસેના દ્વારા 1000 કિલો બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે.