સરદાર પટેલના વ્યૂહાત્મક ડહાપણને કારણે ભારત સંગઠિત રહ્યું: વડા પ્રધાન મોદી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓલ ઈન્ડિયા રેડિયો પરથી એમના માસિક મન કી બાત કાર્યક્રમની 49મી આવૃત્તિમાં દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. એમણે દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ તથા ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને શબ્દાંજલિ અર્પણ કરી હતી.

31 ઓક્ટોબરે વલ્લભભાઈ પટેલની જન્મતિથિ આવી રહી છે ત્યારે મોદીએ કહ્યું કે સરદાર પટેલની વ્યૂહાત્મક કોઠાસૂઝને કારણે ભારત સંગઠિત રહી શક્યું છે.

મોદીએ કહ્યું કે 31 ઓક્ટોબર, ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિનો દિવસ છે. ઈન્દિરાજીને આપણી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

ભારત દેશને સંગઠિત રાખવા માટે સરદાર પટેલના યોગદાનનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે બ્રિટિશરો પાસેથી આઝાદી મળ્યા બાદ તમામ રાજ્યોને ભારતમાં સામેલ કરવાની કામગીરી પટેલે બજાવી હતી. પટેલ અનેક સમસ્યાઓના એક-એક કરીને સમાધાન લાવ્યા હતા અને દેશને એકત્રિત કરવાનું અસંભવ કાર્ય પૂરું કરી બતાવ્યું હતું. તમામ રાજા-રજવાડાઓ ભારતમાં વિલીન થાય એની તેમણે બરાબર તકેદારી રાખી હતી. પછી એ જૂનાગઢ હોય, હૈદરાબાદ હોય, ત્રાવણકોર હોય કે રાજસ્થાનના રજવાડાઓ હોય. સરદાર પટેલની સૂઝબૂઝ અને વ્યૂહાત્મક કૌશલને લીધે જ આજે આપણે એક હિન્દુસ્તાન જોઈ રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદી 31 ઓક્ટોબરે ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર પટેલના વિરાટ સ્મારક – ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ અનાવરણ કરવાના છે. મોદીએ કહ્યું કે, ગુજરાતમાં નર્મદા નદીના કિનારા નજીક બની રહેલી સરદાર પટેલની વિરાટ પ્રતિમાની ઊંચાઈ અમેરિકાના ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં ડબલ છે. આ વિશ્વમાં સૌથી ઊંચી ગગનચૂંબી પ્રતિમા બનશે. દરેક ભારતીય એ વાતનો ગર્વ લઈ શકશે કે દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા ભારતમાં છે. ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સ્મારક સમગ્ર વિશ્વમાં ભારતના ‘લોખંડી પુરુષ’ની ગૌરવગાથાનું સાક્ષી બનશે.

એ દિવસે સરદાર પટેલ જયંતી નિમિત્તે દેશભરમાં ‘રન ફોર યુનિટી’ નામે મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમાં ભાગ લેવાનું મોદીએ સૌને આમંત્રણ આપ્યું છે.