ભારતની પાકિસ્તાનને ચેતવણીઃ ‘અમારા હવાઈ દળના પાઈલટને સહીસલામત રીતે છોડી દો’

નવી દિલ્હી – વિદેશ મંત્રાલયે અહીં પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને બોલાવ્યા હતા અને ભારતના લશ્કરી મથકો પર હુમલો કરવાના પાકિસ્તાનના હવાઈ દળના પ્રયાસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભારતે પાકિસ્તાનને એમ પણ જણાવ્યું છે કે તે ભારતીય હવાઈ દળના એ પાઈલટને તત્કાળ મુક્ત કરે અને એમને સહીસલામત રીતે ભારત પાછા મોકલે. આ પાઈલટ બુધવારે સવારે ભારતીય હવાઈ સીમાનો ભંગ કરનાર પાકિસ્તાની જેટ વિમાનો સામેની કામગીરી બાદ લાપતા થયા હતા.

લાપતા થયેલા અને પાકિસ્તાને જેમને અટકાયતમાં લીધા હોવાની શંકા છે તે પાઈલટનું નામ વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાન છે. એમના પિતા હવાઈ દળના નિવૃત્ત એર માર્શલ એસ. વર્તમાન છે. એમણે પૂર્વીય એર કમાન્ડના વડા તરીકે સેવા બજાવી હતી અને કારગિલ યુદ્ધ વખતે સેવા બજાવી હતી. અહેવાલો અનુસાર, વિન્ગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની યુદ્ધવિમાનો સામેની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનની ધરતી પર ફસાઈ ગયા હતા. ગામવાસીઓએ એમની મારપીટ કરી હતી, પણ બાદમાં પાકિસ્તાની સૈનિકોએ એમને બચાવી લીધા હતા. હાલ એ પાકિસ્તાન સુરક્ષા દળોની કસ્ટડીમાં છે.

પાકિસ્તાન લશ્કરે એક વિડિયો રિલીઝ કર્યો છે જેમાં એમણે એક પુરુષને આંખે પાટા બાંધેલો બતાવ્યો છે અને એને ભારતીય હવાઈ દળના વિન્ગ કમાન્ડર રેન્ક તરીકે ઓળખાવ્યો હતો અને એનો સર્વિસ નંબર પણ આપ્યો હતો. અમુક તસવીરોમાં, પાઈલટને ઈજાગ્રસ્ત બતાવાયા છે. ભારતે આ વિડિયો દર્શાવવા બદલ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે પાકિસ્તાન સરકારે પાઈલટના વિડિયોનું વિકૃત રીતે પ્રદર્શન કર્યું છે.

વિદેશ મંત્રાલયે રિલીઝ કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાની લશ્કરે રિલીઝ કરેલો વિડિયો ભારતીય હવાઈ દળના ઈજાગ્રસ્ત જવાનનું વિકૃત રીતે પ્રદર્શન છે. આ હરકત તમામ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા તથા જિનેવા સમજૂતીના ભંગ સમાન છે.

આ વિન્ગ કમાન્ડર ભારતીય હવાઈ દળના કોમ્બેટ એર પેટ્રોલ (CAP)ના એક સભ્ય હતા. એ ટીમે આજે સવારે ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાની યુદ્ધવિમાનો સામે કાર્યવાહી કરી હતી.