પાકિસ્તાને 2 મહિનામાં કર્યું 633 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી- ભારત સરકારે સંસદમાં જણાવ્યું કે, પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર વર્ષ 2018ના પ્રથમ બે મહિના દરમિયાન 633 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અને કોઈપણ જાતની ઉશ્કેરણી વગર ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું છે.કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહીરે આ અંગેની જાણકારી રાજ્યસભામાં આપી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાને વર્ષ 2018માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન જમ્મુ અને કશ્મીર સરહદ ઉપર 432 વખત અને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર 201 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહીરે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2017માં પાકિસ્તાને નિયંત્રણ રેખા ઉપર 860 વખત અને આંતરરાષ્ટ્રીય સરદહ ઉપર 111 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. સંસદમાં પુછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહીરે જણાવ્યું કે, વર્ષ 2002માં સંઘર્ષવિરામ ઉલ્લંઘનની સૌથી વધુ 8376 ઘટના નોંધાઈ હતી. અને વર્ષ 2003માં 2045 ઘટનાઓ નોંધાઈ હતી.

આપને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે નવેમ્બર 2003થી નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. જોકે પાકિસ્તાન તરફથી અવારનવાર એક પક્ષે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવે છે.