2003માં કરેલા યુદ્ધવિરામ કરારનું સંપૂર્ણ પાલન કરવા ભારત-પાકિસ્તાન સહમત

નવી દિલ્હી – ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે શરૂ કરાયેલી વિશેષ હોટલાઈન સંપર્ક સેવામાં અંકુશ રેખા તથા કાર્યકારી સરહદ ઉપર પ્રવર્તતી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

બંને દેશે પરસ્પર એ વાતે સહમતી વ્યક્તિ કરી છે કે સરહદો પર નાગરિકોને પડતી તકલીફો દૂર થાય અને શાંતિ પ્રસરેલી રહે એ માટે હાલની પરિસ્થિતિમાં સુધારો થાય એવા પ્રામાણિક રીતે પગલાં લેશે.

બંને દેશના લશ્કરી અધિકારીઓ 2003માં કરવામાં આવેલા યુદ્ધવિરામના કરારનું સંપૂર્ણપણે પાલન કરવા સહમત થયા છે. એમણે નક્કી કર્યું છે કે બંને દેશ તરફથી હવેથી યુદ્ધવિરામના કરારનો કોઈ પણ રીતે ભંગ ન થાય એની તેઓ તકેદારી લેશે.

બંને અધિકારીઓ એ વાતે પણ સહમત થયા છે કે ધારો કે કોઈક અણધાર્યો, અજૂગતો સંજોગ ઊભો થાય તો બંને પક્ષ સંયમ જાળવશે અને હોટલાઈન સંપર્ક તથા સ્થાનિક કમાન્ડર સ્તરે બોર્ડર ફ્લેગ મીટિંગો યોજીને બાબતનો ઉકેલ લાવશે.