સુનામીની આગોતરી ચેતવણીની બેસ્ટ સિસ્ટમ ધરાવતા દેશોમાં ભારત પહેલા નંબરે છે

કોલકાતા – કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું છે કે સુનામી આફતની વહેલી ચેતવણી આપવાની બેસ્ટ સિસ્ટમ ધરાવતા દેશોમાં ભારત પહેલા નંબરે છે અને કુદરતી આફતો અંગે અગાઉથી ચેતી જવામાં ભારત અનેક દેશોને સહાયતા કરે છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં ગયા શનિવારે શક્તિશાળી સુનામી મોજાં ત્રાટક્યા હતા જેમાં 370થી વધુ લોકો માર્યા ગયા છે. ઈન્ડોનેશિયામાં નાના-મોટાં અસંખ્ય ટાપુઓ આવેલા છે, જેમાં આંદામાન સમુદ્રથી લઈને હિંદ મહાસાગર અને સાઉથ ચાઈના સીનો સમાવેશ થાય છે.

ઈન્ડોનેશિયામાં આ વખતે એની પોતાની સુનામી અર્લી વોર્નિંગ સિસ્ટમમાં કોઈક રીતે ગડબડ ઊભી થઈ હતી અને પરિણામે તેઓ જાનહાનિ, સંપત્તિનું આટલું મોટું નુકસાન થતું રોકી શક્યા નહીં.

કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન અર્થ સાયન્સીસ અને પર્યાવરણ ખાતાના પ્રધાન પણ છે. એમણે અહીંથી નજીક આવેલા ટીટાગઢ ખાતે કોસ્ટલ રિસર્ચ જહાજ ‘CRV સાગર તારા’ને લોન્ચ કર્યું હતું. આ જહાજ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી માટે ટીટાગઢ વેગન્સ લિમિટેડ કંપનીએ બનાવ્યું છે.

કોસ્ટલ રિસર્ચ જહાજ ‘CRV સાગર તારા’ની પ્રતિકૃતિ

ડો. હર્ષવર્ધને કહ્યું કે, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે દુનિયામાં સુનામીની વહેલી ચેતવણી આપતી સૌથી અદ્યતન પદ્ધતિ ભારત પાસે છે. આપણો દેશ આ બાબતમાં વિશ્વમાં નંબર-1 છે. આપણે ક્યારેય ખોટી ચેતવણી આપતા નથી અને તમામ દેશોને મહાસાગરમાં થતી ચિંતાજનક હિલચાલ વિશે ચેતવણી, સંકેતો આપીએ છીએ.

ડો. હર્ષવર્ધને એમ પણ કહ્યું કે 2030ની સાલ સુધીમાં ભારત દુનિયામાં ટોચના ત્રણ સાયન્ટિફિક દેશોમાંનો એક બની જશે.