મોદી પાકિસ્તાન નહીં જાય; ઈસ્લામાબાદમાં યોજાનાર SAARC શિખર સંમેલનનો ભારતે બહિષ્કાર કર્યો

નવી દિલ્હી – સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજનલ કોઓપરેશન (SAARC) ગ્રુપના સભ્ય દેશોના વડાઓના આ વર્ષના અંત ભાગમાં પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં યોજાનાર શિખર સંમેલનમાં ભારત ભાગ નહીં લે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સંમેલનમાં હાજરી આપવા પાકિસ્તાન નહીં જાય.

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આ નિર્ણયની જાહેરાત કરી દીધી છે.

સ્વરાજે કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન ત્રાસવાદને ઉત્તેજન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી એની સાથે કોઈ પ્રકારની શાંતિ મંત્રણા નહીં કરાય. તેથી ભારત ‘સાર્ક’ શિખર સંમેલનમાં હાજરી નહીં આપે.

સ્વરાજે કહ્યું છે કે પાકિસ્તાન તરફથી મળેલા આમંત્રણનો ભારત જવાબ આપવાનું નથી. હું અગાઉ કહી ગઈ છું તેમ, જ્યાં સુધી ભારતમાંની ત્રાસવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાનું પાકિસ્તાન બંધ નહીં કરે ત્યાં સુધી એની સાથે કોઈ પ્રકારની વાટાઘાટ નહીં કરાય અને અમે સાર્ક સંમેલનમાં ભાગ લેવાના નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસે મંગળવારે કહ્યું હતું કે સાર્ક શિખર સંમેલનમાં ભાગ લેવાનું મોદીને આમંત્રણ આપવામાં આવશે.

2016માં પણ સાર્ક શિખર સંમેલન પાકિસ્તાનમાં યોજાવાનું હતું, પણ ઉરીસ્થિત લશ્કરી કેમ્પમાં ત્રાસવાદી હુમલો થયા બાદ ભારતે તે સંમેલનમાં હાજરી આપવાનું માંડી વાળ્યું હતું. ભારતના નિર્ણયને પગલે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાને પણ એ સંમેલનમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું હતું તેથી એ સંમેલન પડી ભાગ્યું હતું.

શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોર બનાવવાના પાકિસ્તાનના નિર્ણયને સ્વરાજે આવકાર્યો છે, પરંતુ કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન ત્રાસવાદને ઉત્તેજન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી એની સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવામાં નહીં આવે.