ભારતે ચીન-તિબેટ સરહદ પર વધુ સૈનિકો તહેનાત કર્યા

0
1853

નવી દિલ્હી- ડોકલામમાં ચીન સાથે થયેલા ટકરાવ બાદ ભારતે સલામતીના ભાગરુપે ચીનના તિબેટ ક્ષેત્રની સરહદો ઉપર, અરુણાચલના દિબાંગ સેક્ટર, દાઉ દેલાઈ અને લોહિત વિસ્તારમાં વધારે સૈનિકો તહેનાત કર્યા છે અને પર્વતીય વિસ્તારોમાં પેટ્રોલીંગ પણ વધારી દીધું છે.સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, તિબેટ સાથેની સરહદોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા ભારત તેના જાસુસી તંત્રને વધુ મજબૂત કરી રહ્યું છે. ઉપરાંત પહાડી વિસ્તારમાં પેટ્રોલીંગ માટે હેલિકોપ્ટરની પણ મદદ પણ લેવામાં આવી રહી છે.

સૈન્ય અધિકારીએ કહ્યું કે, સેનાએ લાંબા અંતરના પેટ્રોલીંગમાં વધારો કર્યો છે. જેમાં સૈનિકો નાના-નાના સમૂહમાં 15થી 30 દિવસો માટે પેટ્રોલીંગમાં નિકળે છે. આ પ્રક્રિયા વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિ જાળવી રાખવાના ભાગરુપે કરવામાં આવે છે. ઉપરાંત દુશ્મન દેશની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવામાં આવે છે. મહત્વનું છે કે, ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે 16 જૂન બાદથી ડોકલામ વિવાદ સર્જાયો હતો. જે 73 દિવસ ચાલ્યો હતો. ડોકલામ વિવાદ સર્જાયા બાદ ચીનને લઈને ભારત વધુ સતર્ક થઈ ગયું છે.