લાલચ આપીને મત માગનારા સામે IT વિભાગ સખ્ત, જનતા પાસે માગી મદદ

0
1284

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે યોજાશે, ત્યારે ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રોકડ નાણાં કે કોઈ અન્ય પ્રકારની લાલચ આપની મત માગનાર વ્યક્તિની જાણકારી ડિપાર્ટમેન્ટને આપવામાં આવે, આ માટે આઈટી ડિપાર્ટમેન્ટે એક હેલ્પલાઈન પણ શરુ કરી છે.

આવકવેરા વિભાગના ડાયરેક્ટર જનરલ કે.કે.વ્યાવહરેએ કહ્યુ કે, અમે વિશ્વસનીય સૂચના કે ગુપ્ત જાણકારી ઈચ્છીએ છીએ, જેથી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ. લોકો કોઈપણ પ્રકારની જાણકારી માટે 1800221510 હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે છે. ડિપાર્ટમેન્ટે એમ પણ કહ્યું છે કે, કોઈ પણ ગુપ્ત માહિતી આપનાર વ્યક્તિની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગત લોકસભાની ચૂંટણીમાં હેલ્પલાઈન નંબર પર આ પ્રકારના 125 ફોન કોલ આવ્યાં હતાં. પરંતુ એ સમયે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

અધિકારીએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિની આ મામલે ઘરપકડ કરવામાં આવે તો ડિપાર્ટમેન્ટ તેના પણ ઘણા બધા પ્રકારે કાર્યવાહી કરી શકે છે. જેમાં 10 કરોડથી વધુની બેનામી રોકડને જપ્ત કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટે દરેક લોકસભા વિસ્તારમાં એક તાત્કાલિક પ્રતિક્રિયા દળની રચના કરી છે. જેના માટે અંદાજે 200થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. 31 માર્ચ પછી આ સંખ્યામાં વધારો થશે.

મહત્વનું છે કે, અગાઉ ચૂંટણી પંચે ‘સી વિજિલ’ (cVIGIL) નામની એક એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. આ એપ મારફતે તમે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનાર નેતાઓ સામે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યાના 100 મિનિટની અંદરમાં ચૂંટણી પંચ તેની સામે કાર્યવાહી કરશે.