ભારત-પાકિસ્તાનના વિદેશ પ્રધાનોની ન્યુ યોર્કમાં નિર્ધારિત બેઠક ભારતે રદ કરી

નવી દિલ્હી – ભારતે આ મહિને અત્રે નિર્ધારિત સંયુક્ત રાષ્ટ્ર મહાસમિતિની સભા દરમિયાન ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો વચ્ચે નિર્ધારિત બેઠકને રદ કરી દીધી છે.

2015 પછી, આવતા અઠવાડિયે ભારત તથા પાકિસ્તાનના વિદેશ પ્રધાનો – સુષમા સ્વરાજ તથા શાહ મેહમૂદ કુરેશી વચ્ચે ન્યુ યોર્કમાં બેઠક યોજવાનું હજી ગઈ કાલે જ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આજે ભારતે એ નિર્ણય બદલીને બેઠક રદ કરી નાખી છે.

આ નિર્ણય લેવા પાછળનું કારણ છે, કશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા ત્રણ પોલીસકર્મીઓના અપહરણ બાદ એમની કરાયેલી નિર્મમ હત્યા. ત્રણેય પોલીસજવાનના મૃતદેહ ઝાડીઝાંખરામાંથી મળી આવ્યા હતા.

બે દિવસ અગાઉ હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના આતંકવાદીઓએ એક વિડિયો જાહેર કર્યો હતો, જેમાં એ ત્રણ પોલીસકર્મીઓને એમની પોલીસની નોકરીમાંથી રાજીનામું લેવાની તાકીદ કરવામાં આવી હતી.

આ પહેલાં, આતંકવાદીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક જવાનનું પણ અપહરણ કર્યું હતું અને એનું ગળું કાપીને કરપીણ રીતે હત્યા કરી હતી. આવી ઘટના છતાં મોદી સરકારે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને વડા પ્રધાન મોદીને લખેલા પત્રને ધ્યાનમાં રાખીને એક શાંતિના પ્રયાસ તરીકે ભારત તથા પાકિસ્તાનના વિદેશ પ્રધાનોની બેઠક ન્યુ યોર્કમાં યુએન મહાસમિતિની સભા દરમિયાન યોજવાનું નક્કી કર્યું હતું.

પરંતુ,  પોલીસકર્મીઓ તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનની હત્યાને પગલે ‘આતંકવાદ અને મંત્રણા એકસાથે શક્ય જ નથી’ એ ન્યાયે ભારતે ઉક્ત બેઠક રદ કરી દીધી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતીય જવાનોની હત્યાઓની ઘટનાઓને પગલે પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણા યોજવાનું અર્થહીન છે. પાકિસ્તાનનું બેવડું વલણ ઉઘાડું પડી ગયું છે અને ઈમરાન ખાન વડા પ્રધાન બન્યાના અમુક જ મહિનામાં એમની અસલીયતની દુનિયાને ખબર પડી ગઈ છે.