હવામાન વિભાગના આ પ્રોજેક્ટથી 9.5 કરોડ ખેડૂતોને થશે સીધો ફાયદો

નવી દિલ્હી– દેશના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD) વર્ષ 2020 સુધીમાં દેશના 660 જિલ્લાઓના તમામ 6500 બ્લોકમાં હવામાનનું સ્થિતિ બતાવશે. હવામાન વિભાગે કહ્યું કે, આ દિશામાં પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયે દેશના 9.5 કરોડ ખેડૂતોને ફાયદો થશે, જે દર વર્ષે હવામાનની સાચી જાણકારીના અભાવે મોટું નુકસાન વેઠી રહ્યાં છે.

હવામાન વિભાગે મંગળવારે આ જાણકારી આપી છે. વિભાગે કહ્યું કે, હવામાનના પૂર્વઅનુમાનને વધુ ચોક્કસ બનાવવા અને કૃષિ હવામાન પરામર્શ સેવાઓ (એએએસ)ને વધુ ઉપયોગી બનાવવી સૌથી પડકારજનક કામ છે. વર્તમાનમાં મોસમ વિભાગ જિલ્લા આધારે હવામાનની જાણકારી આપે છે. બ્લોક સ્તર સુધી હવામાનની જાણકારી આપવા માટે વિભારે ગત વર્ષે ભારતીય કૃષિ અનુસંસાધન પરિષદ (આઈસીએઆર) ની સાથે કરાર કર્યાં છે.

આઈએમડીના ઉપ મહાનિદેશક એસ.ડી.અત્રીએ જણાવ્યું કે, આઈસીએઆરની સાથે કરાર કર્યાં બાદ આ દિશામાં કામ ખુબજ જડપે આગળ વધી રહ્યું છે. અમે કર્મચારીઓની ભર્તી કરવાની સાથે તેમની આ અંગેની ટ્રેનિંગ પણ આપી રહ્યાં છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, 200 બ્લોકમાં પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અમારું લક્ષ્ય 2020 સુધીમાં 660 જિલ્લાઓના 6500 બ્લોક સુધી પહોંચ વધારવાનું છે. સુવિધાને કારણે ખેડૂતોને હવામાનના કારણે થતાં નુકસાનને ઓછું કરવામાં મદદ મળશે. હવામાન વિભાગ પાસે જિલ્લા સ્તર પર હવામાન આધારિત જાણકારી પ્રસારિત કરવા માટે 130 એગ્રોમેટ ફિલ્ડ યૂનિટ્સ છે.

દેશના 530 જિલ્લામાં ગ્રામિણ કૃષિ હવામાન સેવા હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આ પ્રકારના એકમોને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વર્તમાનમાં 4 કરોડ ખેડૂતોને મેસેજ અને એમ કિસાન પોર્ટલ મારફતે જિલ્લા સ્તર પર હવામાનના અનુમાનની જાણકારી આપવમાં આવી રહી છે. બ્લોક સ્તર પર સેવાઓનો વિસ્તાર કરીને વર્ષ 2020 સુધીમાં 9.5 કરોડ ખેડૂતોને આવરી લેવાનું લક્ષ્ય છે.