UP: સપા-બસપા મહાગઠબંધનની બહાર થશે તો, આ છે કોંગ્રેસનો પ્લાન-બી

લખનઉ- આગામી લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ બીજેપીને હરાવવા બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે મહાગઠબંધનની સંભાવના વધી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, બન્ને પાર્ટીઓ 37-37 લોકસભા સીટો પર ચૂંટણી લડી શકે છે. હાલમાં બન્ને પક્ષો રાયબરેલી અને અમેઠીને છોડીને કોઈ અન્ય સીટ કોંગ્રેસને આપવા માટે તૈયાર નજરે નથી આવતી. માત્ર યુપીમાં 2 સીટો મળવાની સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય માટે પ્લાન બી તૈયાર કરી લીધો છે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ આ સ્થિતિથી નિપટવા માટે વર્ષ 2014માં જે રીતની યોજના પંજાબ માટે બનાવી હતી, એજ રીતની રણનીતિ તે યુપી માટે પણ બનાવી રહી છે. જેના હેઠળ પાર્ટીના મુખ્ય નેતા ચૂંટણી મેદાનમાં ઉતરશે. હાલમાં જ યોજાયેલી પાર્ટીની બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ  પાર્ટીના કદાવર નેતાઓ સલમાન ખુર્શીદ, જિતિન પ્રસાદ, આરપીએન સિંહ, શ્રીપ્રકાશ જયસવાલ અને યુપીમાં પાર્ટીના અધ્યક્ષ રાજ બબ્બરને તેમની જૂની સીટો પર ટિકિટ આપવા અંગે વિચાર કર્યો છે.

પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે, આ નેતાઓએ તેમના લોકસભા ક્ષેત્રોમાં શેરડીના ખેડૂતોનું બાકી લેણું, બટાકાના ખેડૂતોની દુર્દશા જેવા મુદ્દાઓ ઉઠાવવાના શરુ કરી દીધા છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ પાર્ટી વર્ષ 2009માં યુપીમાં 21 સીટો જીતી હતી, પરંતુ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમને માત્ર 2 સીટો પરથી જ સંતોષ માનવો પડયો હતો.

છત્તીસગઢમાં કોંગ્રેસની જીતના રણનીતિકાર રહેલા પુનિયાએ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા) ના નેતા શિવપાલ યાદવ સાથે પણ ખાનગીમાં વાતચીત શરુ કરી દીધી છે. અંદાજે બે મહિના પહેલા નવી પાર્ટી ઉભી કરનાર શિવપાલ યાદવ સાથે સમાજવાદી પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ આવ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, શિવપાલની ટીમમાં 50 પૂર્વ વિધાયકો, એમએલસી, એમપીનો સમાવેશ થાય છે.

શિવપાલનો દાવો છે કે, તે યુપીમાં હવે એક મોટી તાકાત છે. એવી પણ ચર્ચા છે કે, એસપીના વિદ્રોહી નેતા અમર મણી ત્રિપાઠી અને વિજય યાદવ આ ગઠબંધન સાથે જોડાઈ શકે છે.

કોંગ્રેસે ઈમરાન મસૂદને પશ્ચિમ યુપીના દલિત જિલ્લાઓમાં પાર્ટીની શાખ વધારવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસને આશા છે કે, તેમના આ કામમાં ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ પણ સાથ આપશે. આઝાદને થોડા સમય પહેલા જ જેલમાંથી મૂક્ત કરવામાં આવ્યાં છે. આઝાદે હાલ ચૂંટણી લડાવા અંગે અનિચ્છા દર્શાવી છે, પરંતુ તે દેશભરના દલિતોને એકજૂથ કરવાના કામે લાગ્યાં છે.