હું બાબરી મસ્જિદ માટે શહીદ થવા તૈયાર, મારો જીવ લઈ લોઃ ઓવૈસી

નવી દિલ્હીઃ રામ મંદિર મુદ્દે ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા સલમાન નદવીએ એઆઈએમઆઈએમના અધ્યક્ષ ઓવૈસીને બોર્ડમાંથી હાંકી કાઢવાની માગ કરી છે. ત્યારે આ મામલે ઓવૈસીએ જવાબ આપતાં કહ્યું છે કે તેઓ બાબરી મસ્જિદ મામલે શહીદ થવા તૈયાર છે.

ઓવૈસીએ જણાવ્યું કે મારા મૃત્યુથી મસ્જિદ બની જતી હોય તો તમે પોતાના હાથે મારો જીવ લઈ લો, પરંતુ મારી મસ્જીદનો સોદો ન કરો. સલમાન નદવીએ એક ટીવી ચેનલની ડિબેટ દરમીયાન આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો ઓવૈસીને મુસ્લીમ પર્સનલ લૉ બોર્ડમાંથી ન કાઢવામાં આવ્યા તો બોર્ડ આપમેળે જ ખતમ થઈ જશે. નદવીએ ઓવૈસીના બિહાર અવે યૂપીની ચૂંટણી પહેલા તેમના લક્ષ્ય બાબતે પુછ્યું હતું અને તેમના પર મુસ્લિમ વોટ કમજોર કરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 1 માર્ચના રોજ નદવીએ શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત કરી હતી. નદવીએ આ મુલાકાત બાદ જણાવ્યું હતું કે 28 માર્ચના રોજ હિન્દુ સમુદાય સાથે ઉલેમાઓ અને મૌલાનાઓની એક મોટી બેઠક યોજાશે.

શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું કે બધી બાજુથી સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે, અમે બંન્ને સમુદાયોના સહ અસ્તિત્વ અને રામ મંદિરના નિર્માણની વાત કરી રહ્યા છીએ. મુસ્લિમ સમુદાય તરફથી સદભાવના અને સહયોગ મળી રહ્યો છે. શ્રી શ્રીએ જણાવ્યું કે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદ મુદ્દે સમાધાન લાવવામાં આવશે. શ્રી શ્રીએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા કોઈપણ પ્રકારના વિવાદનું સમાધાન ન આવી શકે પરંતુ કોર્ટ બહાર વાતચીતના માધ્યમથી વિવાદનુ સમાધાન આવી શકે.