અમારું કામ ત્રાસવાદીઓના અડ્ડાઓને તોડી પાડવાનું છે, એમની લાશો ગણવાનું નહીંઃ એર ચીફ માર્શલ ધનોઆ

કોઈમ્બતુર – ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ આજે એ સમાચારોને સમર્થન આપ્યું છે કે ભારતીય હવાઈ દળે પાકિસ્તાનમાં અમુક નિશ્ચિત ટાર્ગેટ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર કરાયેલા હવાઈ હુમલાઓમાં કેટલા જણનાં મરણ થયા એની સંખ્યાને સમર્થન આપવાનો ધનોઆએ ઈનકાર કર્યો હતો અને કહ્યું કે ભારતીય હવાઈ દળનું કામ ટાર્ગેટ્સને તોડી પાડવાનું છે, કેટલા જણ માર્યા ગયા એની સંખ્યા ગણવાનું નથી.

એર ચીફ માર્શલ ધનોઆએ આજે અહીં પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી.

પાકિસ્તાનમાંના હુમલાઓમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓના આંકડા વિશેના સવાલના જવાબમાં હવાઈ દળના વડાએ કહ્યું કે, ખુવારીનો આંકડો અમે આપી શકીએ એમ નથી. એ કામ સરકારનું છે. અમે જાનહાનિનો આંકડો ગણતા નથી. અમે તો કેટલા ટાર્ગેટ્સને તોડી શકાયા અને કેટલાને નહીં એની જ ગણતરી કરીએ છીએ.

એમણે કહ્યું કે ટાર્ગેટ ખાતે જે સંખ્યામાં લોકો હાજર હોય એની પર ખુવારીનાં આંકનો આધાર રહે છે.

ધનોઆના આ જવાબ સાથે જ હવાઈ હુમલાઓ વિશેના તમામ પ્રશ્નોનો અંત આવી જાય છે.

એમણે એમ પણ કહ્યું કે જો ભારતે હવાઈ હુમલા કર્યા ન હોત તો પાકિસ્તાને એનો વળતો જવાબ શા માટે આપ્યો હતો?

પાકિસ્તાનના એફ-16 યુદ્ધવિમાનો સામે ભારતીય હવાઈ દળે ઉપયોગમાં લીધેલા મિગ-21 વિમાનો વિશેની ટીકાને પણ એર ચીફ માર્શલ ધનોઆએ નકારી કાઢી છે અને કહ્યું કે અમે એક આયોજિત મિશન હાથ ધર્યું હતું અને એ માટે મિગ-21 વિમાનો પસંદ કર્યા હતા. જ્યારે દુશ્મનો તમારી પર હુમલો કરે ત્યારે તમારી પાસે જે વિમાનો ઉપલબ્ધ હોય એનો ઉપયોગ કરવો જ પડે, પણ એ ગમે તે વિમાન હોય. દુશ્મનો સામે લડવા માટે આપણા તમામ વિમાનો સક્ષમ જ છે.