MDH ગ્રુપના 99-વર્ષીય માલિક ધરમપાલ ગુલાટીનું નિધન એક અફવા

જયપુર – MDH બ્રાન્ડની મસાલા ઉત્પાદક કંપનીએ તેના માલિક ધરમપાલ ગુલાટીના અવસાનના સમાચારને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ગુલાટી જીવિત છે અને એકદમ તંદુરસ્ત છે. ગુલાટી ‘મહાશય’ તરીકે ગ્રુપમાં જાણીતા છે.

ઉલ્લેખનીય છે કે, MDH ગ્રુપના ગુલાટી એમની કંપનીની પ્રોડક્ટ્સની જાહેરખબરોમાં અવારનવાર ટીવી પર ચમકતા હોય છે. એને કારણે ટીવી પર જાણીતા ચહેરાઓમાંના એક તેઓ છે.

શનિવારે વોટ્સએપ સહિત સોશિયલ મિડિયા પર એવા સમાચાર ફરતા થયા હતા કે 99 વર્ષીય ગુલાટી દિલ્હીની હોસ્પિટલમાં અવસાન પામ્યા છે.

MDH ગ્રુપના એક્ઝિક્યૂટિવ વાઈસ-પ્રેસિડન્ટ રાજેન્દ્ર કુમારે કહ્યું કે, ગુલાટીના નિધનના સમાચાર ખોટા, આંચકાજનક અને પાયાવિહોણા છે.

દરમિયાન, ખુદ ગુલાટીએ પોતાના નિધનની અફવા વિશેના પ્રત્યાઘાતમાં કહ્યું છે કે  હું તો ફરી યુવાન થઈ ગયાની લાગણી મહેસુસ કરી રહ્યો છું.

ધરમપાલ ગુલાટીનો જન્મ 1919માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. એ શહેરમાં ત્યારે એમના પિતા ચુન્નીલાલે એક નાનકડી દુકાન શરૂ કરી હતી, પરંતુ 1947માં ભાગલા પડ્યા બાદ ગુલાટી પરિવાર ભારત આવી ગયો હતો અને દિલ્હીમાં રહેવા લાગ્યો હતો. ગુલાટીએ ત્યારબાદ મસાલા વેચવા માટે ચાંદની ચોકમાં એક દુકાન ભાડેથી લીધી હતી અને એને નામ આપ્યું હતું મહાશિયાં દી હટ્ટી (MDH).

1959માં એમડીએચ કંપનીની સત્તાવાર રીતે સ્થાપના કરી હતી. હાલ MDH સ્પાઈસીસ કંપની જુદા જુદા 50 જેટલા મસાલા બનાવે છે. દેશભરમાં એની 15 જેટલી ફેક્ટરીઓ છે. 2017માં, ધરમપાલ ગુલાટી ભારતમાં FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગૂડ્સ)ના સૌથી વધારે કમાણી કરતા CEO બન્યા હતા.

httpss://twitter.com/SeemaKumarGill/status/1048804490395242496