નવી શિક્ષણ નીતિ: 50% ઓછો અભ્યાસક્રમ, સ્પોર્ટ્સ પર કરાશે ધ્યાન કેન્દ્રિત

નવી દિલ્હી- નવી શિક્ષણ નીતિ અંગે બોલતાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે, મોદી સરકારનું લક્ષ્ય છે કે, તે દરેક વર્ગના અભ્યાસક્રમમાં લગભગ 50 ટકાનો કાપ કરે. જાવડેકરએ કહ્યું કે, આ અંગે કામ શરુ કરી દેવામાં આવ્યું છે અને દરેક વર્ષે લગભગ 10-15 ટકા અભ્યાસક્રમ ઓછો કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે. વધુમાં જાવડેકરે કહ્યું કે, મનુષ્યનું મગજ માત્ર ડેટા સાચવવાની બેન્ક નથી.કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો કે, મોદી સરકાર અગાઉની કોંગ્રેસ સરકારના સમયથી ચાલી આવતી સર્વ શિક્ષા ઝુંબેશને સમગ્ર શિક્ષા ઝુંબેશમાં બદલવા માટે કામ કરશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શાળાઓને રમતગમતનો સામાન ખરીદવા માટે ભંડોળ પુરું પાડશે.

નવી શિક્ષણ નીતિ હેઠળ જ્યાં બાળકોના અભ્યાસક્રમને ઘટાડીને અડધો કરવામાં આવશે. પરંતુ શાળાના બાળકોએ રમતગમતમાં ભાગ લેવો પણ જરુરી રહેશે જેથી તેમનો સંપૂર્ણ વિકાસ કરી શકાય અને બાળકો ભવિષ્યના બધા પડકારો માટે તૈયાર થઈ શકે.

સ્કિલ ડેવલપમેન્ટને HRD મંત્રાલય હેઠળ નહીં લાવીને તેને અલગ મંત્રાલય કેમ બનાવવામાં આવ્યું? તે પ્રશ્નનો જવાબ આપતાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કોઈપણ મોટા કામ માટે અલગ મંત્રાલય બનાવવાથી તે કામને વધુ સારી રીતે ન્યાય આપી શકાય છે.