અમેરિકી એક્સપર્ટ્સ બધાની સામે કરશે ભારતીય ઈવીએમને હેક…

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણી માટે માહોલ બનવાની શરુઆત થઈ ગઈ છે. રાજનૈતિક દળોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે. આવામાં ચૂંટણી પહેલા એકવાર ફરીથી ઈવીએમ પર ચર્ચા શરુ થઈ છે. ઈવીએમની સુરક્ષા પર ઘણા રાજનૈતિક દળ પહેલા સવાલો ઉઠાવી ચૂક્યા છે ત્યારે આ વચ્ચે આજે લંડનમાં કેટલાક એક્સપર્ટ્સ ભારતમાં ઉપયોગમાં લેવાનારા ઈવીએમને હેક કરીને દેખાડશે. આ હેકિંગનું પ્રસારણ લાઈવ કરવામાં આવશે કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે ઈવીએમ હેક કરવું ખૂબ સરળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર યૂરોપમાં સ્થિત ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક અમેરિકી સાઈબર એક્સપર્ટને બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત ઘણી ચૂંટણીમાં રાજનૈતિક દળોએ ઈવીએમ હેક થવાના આરોપ લગાવ્યા છે. જો કે ચૂંટણી આયોગ સતત આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2004 બાદથી જ ભારતમાં ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ તેજીથી થઈ રહ્યો છે. 2014ની લોકસભા ચૂંટણી બાદ ઘણા વિપક્ષી દળોએ બીજેપી પર ઈવીમમાં ચેડા થયા હોવાનો આરોપ લગાવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં હવે માત્ર ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રિપોર્ટ્સનું માનીઓ તો ચૂંટણી આયોગ માર્ચ મહિનાની શરુઆતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ કોલકત્તામાં થેયેલી વિપક્ષી દળોની મહારેલી બાદ નેતાઓએ ઈવીએમની સુરક્ષાના મુદ્દાને જોર-શોરથી ઉઠાવ્યો હતો. વિપક્ષી પાર્ટીઓ દ્વારા એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે જે ઈવીએમની સત્યતા પર મંથન કરશે અને આ મામલે ચૂંટણી આયોગને પોતાની શંકાઓથી અવગત કરાવશે.

વિપક્ષની આ સમિતિમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા અભિષેક મનું સંઘવી, બહુજન સમાજ પાર્ટીના નેતા સતીશ ચંદ્ર મીશ્ર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓને લઈને આ લોકો જલ્દી જ ચૂંટણી આયોગ સાથે મુલાકાત પણ કરી શકે છે.