CBIને મેહુલ ચોક્સીનો સવાલ: દેશની સુરક્ષા માટે હું ખતરો કેવી રીતે?

નવી દિલ્હી- ગીતાંજલિ જેમ્સના પ્રમોટર અને નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેન્કમાં (PNB) કૌભાંડ આચરનારા આરોપી મેહુલ ચોક્સીએ CBIને પત્ર લખીને તપાસમાં સહયોગ આપવાનો ઈનકાર કર્યો છે.12 હજાર 600 કરોડ રુપિયાના આ કૌભાંડમાં સહઆરોપી મેહુલ ચોક્સીએ તપાસ એજન્સીને પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપીને કહ્યું કે, ‘હું ભારત આવીને તપાસમાં સહયોગ આપી શકું તેમ નથી’. મેહુલ ચોક્સીએ કહ્યું કે, ફેબ્રુઆરી 2018માં તેનું હ્રદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેના કારણે હલમાં તે પ્રવાસ કરી શકે તેમ નથી.

મેહુલ ચોક્સીએ એ વાત અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી કે, હાલમાં તે ક્યાં છે. આ ઉપરાંત મેહુલ ચોક્સીએ પોતે વ્યસ્ત હોવાનું જણાવ્યું અને કહ્યું કે, હજી તે ઘણાં કામકાજમાં રોકાયેલો હોવાથી ભારત આવી શકે તેમ નથી અને તપાસ એજન્સીને કોઈ પ્રકારનો સહયોગ આપી શકશે નહીં. પોતાનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવાને લઈને પણ મેહુલ ચોક્સીએ CBI અધિકારીઓ પર આરોપ લગાવ્યો કે, તેને ખોટીરીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

CBIને લખેલા પત્રમાં મેહુલ ચોક્સીએ સવાલ કર્યો છે કે, મુંબઈની પાસપાર્ટ ઓફિસે એ નથી જણાવ્યું કે મારો પાસપોર્ટ કેન્સલ શુંકામ કરવામાં આવ્યો છે? મને એ નથી સમજાતું કે, આખરે હું ભારત માટે ખતરો કેવી રીતે બની ગયો? ઉલ્લેખનીય છે કે, PNB કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ગત 16 ફેબ્રુઆરીના રોજ ભારતના વિદેશ મંત્રાલયે મેહુલ ચોક્સી અને નીવ મોદીનો પાસપોર્ટ રદ્દ કર્યો હતો.