હિજબુલ મુજાહિદ્દીને જારી કર્યું પોસ્ટર, 15 ઓગસ્ટના કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનું ફરમાન

શ્રીનગર- આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીને ફરી એકવાર કશ્મીરમાં પોસ્ટર દ્વારા લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. પોસ્ટર દ્વારા કશ્મીરની જનતાને ફરમાન આપવામાં આવ્યું છે કે, કશ્મીરમાં રહેતા લોકો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે કોઈ પણ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.હિજબુલ મુજાહિદ્દીન દ્વારા જારી કરવામાં આવેલા પોસ્ટરમાં બધા માતા-પિતાને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના બાળકોને 15 ઓગસ્ટના રોજ સ્કીલમાં યોજાનારા કાર્યક્રમ અને પરેડમાં ભાગ લેવા મોકલે નહીં.

એક તરફ જ્યાં સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસના સમારોહના રંગમાં રંગાયેલો છે. તો બીજી તરફ આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના પોસ્ટરને કારણે કશ્મીરના લોકોમાં ગભરાટ ફેલાયેલો છે. આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન દ્વારા પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સ્વતંત્રતા દિવસે કોઈપણ કાર્યક્રમમાં કશ્મીરના લોકોને ભાગ લેવાની પરવાનગી નહીં આપવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન દ્વારા જારી કરવામાં આવેલા પોસ્ટરમાં એવી ધમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, જો પોસ્ટરમાં લખવામાં આવેલી વાતને માનવામાં નહીં આવે તો, તેનું પરિણામ ખૂબ જ ખરાબ હશે. પોસ્ટરમાં કશ્મીરના તમામ માતા-પિતાને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના બાળકોને 15 ઓગસ્ટના રોજ સ્કૂલ દ્વારા યોજાનારી પરેડ સહિતના અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની પરવાનગી આપે નહીં.